Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરામાં મુખ્‍યમંત્રી આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ : કોન્‍ટ્રાકટ રદ કરવા નોટીસ છતાં કોઇ પગલા ન ભરાયા

વડોદરા : વડોદરામાં મુખ્‍યમંત્રી આવાસ યોજનાના નામે રૂ. ર હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

આવાસ યોજનાના નામે અંદાજે 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. ત્યારે કૌભાંડ પાછળ શહેરના મેયર ભરત ડાંગર અને ધારાસભ્ય યોગેશ પટેલની મીલીભગત હોવાનું બહાર આવ્યું છે.

કૌભાંડ અન્વયે 1.45 લાખ ચોરસ મીટરની જમીન પચાવી પાડવાનું કાવતરુ હતું. અહીં આવાસ યોજના બનાવવા અંગેનો એવોર્ડ લેટર નારાયણ રિઆલ્ટીને આપવામાં આવ્યો હતો. જેમાં નારાયણ રિઆલ્ટીનો 51 ટકા હિસ્સો અને ડીએમસી સાંઇ રૂચિ કંપનીને 49 ટકા હિસ્સો ફાળવવામાં આવ્યો હતો.

પરંતુ એવોર્ડ લેટર મળી ગયા બાદ લીડ કંપનીનો ભાગીદારી હિસ્સો બદલી નાંખવામાં આવ્યો હતો. જે 51 ટકાથી ઘટાડીને 15 ટકા કરી દેવામાં આવ્યો હતો. અને ડીએમસી સાંઇ રૂચિને 85 ટકા હિસ્સો ફાળવવામાં આવ્યો હતો. ત્યારે ડીએમસી સાંઇ રૂચિના ભાગીદાર પ્રવીણ ચોકસી વિવિધ પ્રોજેક્ટમાં મેયરના ભાગીદાર છે.

તો આવાસ યોજનાના પ્રોજેક્ટમાં મેયર ભરત ડાંગર પણ ભાગીદાર છે.. સમગ્ર કૌભાંડ અંગે શહેર કમિશ્નરને જાણ થતાં તેમણે નારાયણ રિઆલ્ટીને કોન્ટ્રાક્ટ રદ કરવા નોટિસ પાઠવી હતી.. જોકે ત્યાર બાદ ભરત ડાંગરે મુખ્યમંત્રીને ગેરમાર્ગે દોરે તેવી રજૂઆતો કરી હતીજેથી ગેરરીતિ વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમ VTV ચેનલના અહેવાલમાંથી જાણવ મળ્યું છે.

(4:28 pm IST)