Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મહેસાણામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો

મહેસાણા વોટર પાર્ક પાસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો : કાર ચોરી કરતી ગેંગને પકડવા જતા ક્રાઈમ બ્રાન્ચ અને ચોર ગેંગ વચ્ચે અથડામણ

અથડામણમાં એક પોલીસકર્મી અને આરોપી ઈજાગ્રસ્ત

અમદાવાદ તા.૧૧: અમદાવાદ પોલીસ ટીમ ઉપર મહેસાણા નજીક પથ્થરમારો-હુમલો થતા દોડધામ મચી ગયો છે. પોલીસે  બચાવમાં ફાયરીંગ કરતા સનસનાટી મચી ગઇ છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળલી બાતમીના આધારે કાર ચોર ટોળકીને ઝડપી લેવા માટે છેક અડાજણથી પોલીસની ટીમે પીછો શરૂ કર્યો હતો. આ અંગેની જાણ થઇ જતા મહેસાણાના એક રિસોર્ટ પાસે કાર ચોર ટોળકીના શખ્સોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ઉપર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પોલીસ ઉપર પથ્થરમાવોર કર્યો હતો. તેમજ પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનું પણ બહાર આવ્યુ છે.

ગંભીર બની રહેલી સ્થિતિને કાબુમાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચના PI દ્વારા પ્રથમ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આમછતા સ્થિતિ કાબુમાં ન આવતા સ્વબચાવમાં બીજો રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કાર ચોર ટોળકીના એક શખ્સને પગમાં ઇજા થતા સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગુન્હેગારોમાં હવે પોલીસની કોઇ ધાક ન રહી  હોય તેમ છાશવારે પોલીસ ઉપર હુમલાના બહાર આવી રહેલા આ શરમજનક બનાવોને પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે. ગુન્હેગારો પોલીસ સાથે ઝપાઝપહી ઉપર ઉતરી આવતા હોવાના બનાવોથી પોલીસ તંત્રની કાર્યવાહી લોકોમાં પણ ટીકાનું કેન્દ્ર બની છે. ત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ઉપર થયેલા આ હુમલા બાદ પોલીસ હવે કેવી કાર્યવાહી કરે છે? તે આગામી સમય જ બતાવશે.

વીતી રાતે અઢીથી ત્રણ વાગ્યા વચ્ચે આ અથડામણ સર્જાઇ હતી અમીપુરા ગામ પાસેથી પોલીસે ગેંગના બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર થઇ ગયો હતો.

(5:11 pm IST)