Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સુરતમાં નાની-મોટી ૭ દુકાનોનાં તાળા તુટ્યા

સુરત : સુરતમાં ૭ જેટલી દુકાનોના તાળા તોડતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગઇ રાત્રે એકી સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા હોવાની બહાર આવેલી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. એક ૫છી એક દુકાનોમાં ચોરી થયાનું બહાર આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થવા માંડ્યા હતાં. સુરતમાં વકરી રહેલી ગુન્હાખોરી વચ્ચે અસામાજિક તત્વોએ ફરી એક વખત સાત દુકાનોમાં ચોરી કરીને પોલીસને મોટો ૫ડકાર ફેંક્યો છે.

તાજેતરમાં મગદલ્લા વિસ્તારના લોકોએ પોલીસની નિષ્ક્રીયતાના કારણે સલામતી માટે ખાનગી સિક્યુરીટી રાખીને તંત્ર માટે શરમજનક સ્થિતિ પેદા કરી છે. તેવી સ્થિતિ વચ્ચે સુરતમાં બનેલી ઘટના વિશેની મળતી વિગતો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે રાત્રે મોબાઇલ, મેડિકલ અને જનરલ સ્ટોર સહિતની નાની-મોટી સાતેક દુકાનોના તાળા તૂટ્યા છે. અમુકમાંથી મોટી રકમની ચોરી થઇ છે. જ્યારે અમુક દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે. કુલ કેટલી રકમની ચોરી થઇ છે ? તેનો આંકડો હજૂ સુધી બહાર આવ્યો નથી.

પાંડેસરા વિસ્તારની ભરબજારમાં સાત દુકાનોના તાળા તૂટ્યા હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. તસ્કરોએ પોલીસને ફેંકેલા ૫ડકાર બાદ પોલીસના નાઇટ પેટ્રોલીંગ સામે સવાલો ઉઠ્યા છે. તેમજ સ્થાનિક દુકાનદારો અને રહેવાસીમાં ભયના માહોલ સાથે પોલીસ પ્રત્યે તિવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે દોડી જઇને તસ્કરોનું ૫ગેરૂ મેળવવા અને કેટલી રકમની ચોરી થઇ છે ? તેનો આંકડો જાણવા કવાયત આદરી છે.

(3:49 pm IST)