Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ખેતી વિષયક નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવા આદેશ

ગઇ ૩૧ ડીસેમ્બરે જે જમીનને ૧૫ વર્ષ પૂરા થયા હોય તેને અસર

ગાંધીનગર તા.૧૧: ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ૧૫ વર્ષ પૂર્ણ થયેથી ફકત ખેતીથી ખેતીના હેતુસર નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા બાબતે મહેસુલ વિભાગે સંયુકત સચિવ (જમીન સુધારણા) શ્રી કલ્પેશ શાહની સહીથી ગઇકાલે પરિપત્ર પ્રસિધ્ધ કરી તમામ કલેકટરોને મોકલાયેલ છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે મંત્રીશ્રી (મહેસુલ)ની સુચના ધ્યાને રાખીને તા.૩૧-૧૨-૧૭ના રોજ ૧૫ વર્ષ પૂર્ણ થતા હોય તેવી જમીનોને તા.૪-૦૭-૨૦૦૮ અને તા.૦૩-૦૫-૨૦૧૧ના ઠરાવીને જોગવાઇઓ ધ્યાને રાખીને ફકત ખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવીને જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજપ સત્તા પ્રકાર એવી નોંધ કમી કરી તેની જગ્યાએ માત્ર બીનખેતીના હેતુ માટે પ્રિમીયમને પાત્ર ગણીને આવા હુકમો સંબંધિત મામલતદારશ્રીએ કરવાના રહે છે. જેથી ભવિષ્યમાં બિનખેતીના પ્રસંગે ફકત ખેતીથી બિનખેતીનું પ્રિમીયમ વસુલ કરવાનું રહે છે.

ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલી નવી શરતની જમીન તેમજ ભુદાન હેઠળ આપવામાં આવેલી જમીનોને આ સુચનાઓ લાગુ પડતી નથી તે બાબત ખાસ ધ્યાને લેવાની રહેશે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા નવી શરતથી જુની શરતમાં ફેરવવા અંગે વખતો વખત બહાર પડેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

તેમજ તા.૩૧-૧૨-૧૭ અંતિત ૧૫ વર્ષ પૂર્ણ થતા હોય અને શરતભંગ ના હોય તેવી કોઇ પણ નવી શરતની ગ્રામ્ય વિસ્તારની જમીન હવે પછી બાકી રહેતી નથી. જે અંગે કલેકટરને પ્રમાણપત્ર પણ આપવાનું રહે છે આ પ્રમાણપત્ર તા.૩૧-૦૧-૧૮ના સુધીમાં રૂબરૂમાં સચિવશ્રી (જ.સુ.)ને મોકલી આપવુ.

(12:44 pm IST)