Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ચૂંટણી પૂરી થતા ફરી ખાતર અને વીજળીના ધાંધીયાઃ હિમાંશુ પટેલ

અમદાવાદ તા.૧૧: ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂરી થતાં જ ભાજપ સરકારે ખેતીવાડીમાં ૧૦ કલાકના બદલે ૮ કલાકથી પણ ઓછા સમય માટે અનિયમિત રીતે વિજળી આપતાં રવિ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં અત્યારે યુરિયાની શોર્ટેજથી ખેડૂતોને ઘણાં લાંબા સમય સુધી યુરિયા ખાતર પણ નહીં મળતાં નિરાશા વ્યાપી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં વિધાસભાની ચુંટણી વખતે મુખ્યમંત્રીએ જાહેરાત કરીને ખેતીવાડીમાં ૧૦ કલાક વિજળી આપી હતી. પરંતુ ચુંટણી પુરી થતાં જ ભાજપ સરકારે ખેડૂતો સાથે વધુ એક છેતરપીંડી કરી ૧૦ કલાક વિજળી આપવાનું બંધ કરી દીધુ છે. અત્યારે રવિ પાકમાં સિંચાઇ માટે વિજળીની ખૂબ જ જરૂરીયાત હોવા છતાં ૮ કલાક કરતાં પણ ઓછી અને અનિયમિત રીતે વિજળી આપવામાં આવે છે ડો.હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા બટાકા માટે રૂપિયા ૫૦ પ્રમાણે સબસીડી જાહેર કરવામાં આવી હતી. તેને ૯ મહિના  થવા છતાં સબસીડીનો એકપણ રૂપિયો હજુ સુધી ખેડુતોને આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત બટાકામાં ટ્રાન્સપોર્ટ માટે રૂ.૭૫૦ પ્રમાણે સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ સબસીડી ડીસામાં જ માત્ર ચોક્કસ ખેડુતોને ચૂકવવામાં આવી છે ડીસામાં રૂપિયા ૭૦ લાખની સબસીડી અપાયા સિવાય રાજ્યમાં અન્ય સ્થળોએ એકપણ ખેડુતોને આ પૈસા અપાયા નથી

(11:31 am IST)