Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

નવસારીને બદલે મહેસાણામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે રૂપાણી

છેલ્લી ઘડીએ સ્થળ બદલ્યુઃ નીતિન પટેલે બીજા જિલ્લામાં જવું પડશેઃ મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતમાં પોતાનો બેઝ વધારવા માંગે છે અને આ માટે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્તર ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો છે

અમદાવાદ તા. ૧૧ : ગુજરાત સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું લોકેશન છેલ્લી ઘડીએ બદલીને નવસારીને બદલે મહેસાણા કરી નાંખ્યું હોવાથી અનેક લોકોના ભવા ઊંચા થઈ ગયા છે. વિજય રૂપાણી અને તેમની કેબિનેટે ૨૬ જાન્યુઆરીના રોજ શપ લીધી તેના થોડા જ દિવસો બાદ નવસારીમાં ૨૦૧૮નો પ્રજાસત્તાક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. બે દિવસની ઈવેન્ટ માટે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક એડમિનિસ્ટ્રેશનને યોગ્ય તૈયારી કરવા સૂચના આપી દેવાઈ હતી. રાજયપાલ અને મુખ્યમંત્રી રાજયસ્તરની આ ઉજવણીમાં ભાગ લેવાના હતા.

 

છેલ્લા કેટલાંય વર્ષથી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી ગાંધીનગર બહાર કરવાનો ચીલો ચાતર્યો છે. આ પાછળનો આશય સ્થાનિક એડમિનિસ્ટ્રેશન વિકાસના કામ ઝડપી બનાવે અને પક્ષનો રાજકીય દબદબો વિવિધ જિલ્લામાં વધે તે છે. રાજય સરકારે આ વખતે ઉજવણીનું સ્થળ બદલીને મહેસાણા કરવાનું નક્કી કરતા રાજકીય વર્તુળો અને બાબુઓમાં ચર્ચા ઊઠી છે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, 'અગાઉ નવસારીમાં ઉજવણી માટે સૂચના આપવામાં આવી હતી. તાજેતરમાં જ અમને સ્થળ બદલીને મહેસાણા કરી દેવાયુ હોવાની સૂચના મળી છે. આ પાછળ કોઈ રાજકીય કારણ હોઈ શકે પરંતુ અમને તેની જાણ નથી.'

ભાજપના એક અગ્રણી નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું, 'ઓગસ્ટ ૨૦૧૬માં મુખ્યમંત્રી બન્યા પછી વિજય રૂપાણીએ પાટીદાર આંદોલનને કારણે મહેસાણામાં કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો નથી. જોકે પાર્ટી આ જિલ્લામાં સાતમાંથી પાંચ સીટ જીતવામાં સફળ રહી છે. વિરોધ છતાંય અહીં પાર્ટીને ૨૦૧૨ જેટલી જ સીટ મળી છે. મુખ્યમંત્રી મહસાણા જિલ્લામાં પોતાનો સીધો કંટ્રોલ લાવવા માંગે છે કારણ કે આ વિસ્તારમાં ડેપ્યુટી સી.એમ નીતિન પટેલનો દબદબો છે.' સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતમાં પોતાનો બેઝ વધારવા માંગે છે અને આ માટે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્તર ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો છે.

સામાન્ય રીતે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજયપાલ જ ભાગ લે છે. જયારે બીજા મંત્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં ઉજવણીમાં ભાગ લે છે. હવે નીતિન પટેલે બીજા કોઈ જિલ્લામાં જવું પડશે. સરકારના સ્થળ બદલવાના નિર્ણય અંગે નીતિન પટેલે ચોક્કસ ટિપ્પણી કરવાનું ટાળ્યુ હતુ. તેમણે જણાવ્યું, 'સરકાર આવા નિર્ણયો સમજી વિચારીને જ લે છે. આથી કોઈ બીજી સમસ્યા હોય તેવુ નથી લાગતુ.' ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉત્ત્।ર ગુજરાતમાં ૨૫માંથી ૧૨ સીટ જીત્યુ હતુ. ૨૦૧૨માં તે ૨૫માંથી ૧૩ સીટ જીત્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારે મહેસાણામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે પરંતુ તે મ્યુનિસિપાલિટી ચૂંટણીઓમાં કોંગ્રેસ સામે હારી ગયુ હતુ. અગાઉ ભાજપને ટેકો આપનાર કોંગ્રેસના કાઉન્સિલર્સે પોતાનો ટેકો પાછો ખેંચી લેતા ભાજપ હવે અહીં ફરી સત્તા મેળવવા હવાતિયા મારી રહ્યુ છે.(૨૧.૧૦)

(10:21 am IST)