Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમદાવાદમાં મહિલાઓ, વૃધ્‍ધો, દિવ્‍યાંગોને હવે પોલીસ સ્‍ટેશને ધક્કા ખાવામાંથી મુકિત : પોલીસ ઘટના સ્‍થળે જઇને ફરીયાદ નોંધશે

અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંહે નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ સુર્યાસ્ત બાદ રાત્રિના સમયે દિવ્યાંગ મહિલાઓ, સિનીયર સીટીઝન અને નાના બાળકોને ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન નહીં આવવુ પડે, તેની જગ્યાએ પોલીસ ઘટના સ્થળે જઈને ફરીયાદ નોંધશે.

દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે નિર્ણય લીધો છે. અંગે તમામ પોલીસ સ્ટેશનને સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથે તેનો ચુસ્તપણે અમલ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. બાળકો માટેનો નિયમ ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે લાગુ પડશે. આવા તમામ કેસોમાં સુર્યાસ્ત બાદની કોઈપણ ઘટનામાં પોલીસ ઘટના સ્થળે ફરીયાદી પાસે જઈને એફઆઈઆર નોંધશે.

જેનાથી દિવ્યાંગો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પડતી હાલાકી ઓછી થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

પોલીસકર્મીઓ માટે પણ હેલ્મેટ પહેરવુ ફરજીયાત

અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ યુનિફોર્મમાં હોય ત્યારે ટુ વ્હિલર પર હેલમેટ વિના પસાર થતા હોય છે. આવા પોલીસ કર્મચારીઓને ટ્રાફિક પોલીસ અટકાવે તો પોતે પોલીસ હોવાનો રોફ જમાવતા હોય છે.

ત્યારે અમદાવાદ ટ્રાફિક ડીસીપી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ હવેથી તમામ પોલીસ કર્મચારીઓએ ટુ વ્હિલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવુ ફરજીયાત રહેશે.

જો કોઈ પોલીસ કર્મચારી ટુ વ્હિલર વાહન હેલમેટ વિના ચલાવતો દેખાશે તો તેની સામે ખાતાકીય કાર્યવાહી સુધીના પગલા લેવામાં આવશે. હેલમેટ વિના વાહન ચલાવતા પોલીસ કર્મચારીઓના ફોટો અને વીડિયો અવાર નવાર સામે આવતા રહ્યા છે. જેના કારણે પોલીસ વિભાગની બદનામી થાય છે. જેને લઈ પોલીસે નિર્ણય કર્યો છે.

(4:05 pm IST)