Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વાપીમાં રવિવારી બજારના વિરોધમાં ૩૦૦ થી વધુ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને તંત્ર સામે આક્રોશ

વાપી : વાપીના હાર્દ સમાન મુખ્ય બજારમા વર્ષોથી ભરાતી રવિવારી બજાર બંધ કરાવવા વર્ષથી વેપારીઓ કલેકટર અને નગર પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહી આવતા વેપારીઓમાં રોષનો ચરૂ ઉકળ્યો છે. આજે સવારે મુખ્ય બજારના ૩૦૦થી વધુ વેપારીઓ દુકાન બંધ રાખી પાલિકા કચેરીએ મોરચો કાઢયો હતો.વેપારી આગેવાનોએ પાલિકાના અધિકારીને આવેદન આપ્યુ હતુ. વેપારી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દર રવિવારે બજાર ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. તેમજ બજારને કારણે અસામાજીક તત્વો મહિલઓની છેડતી અને ચોરીના બનાવો બનતા હોય છે. બહારથી ધંધો કરવા આવતા લોકો વેપારી સાથે ઝઘડો પણ કરતા હોય છે .રવિવારી બજારને કારણે રોડને અડચણ રૂપ પાથરણા લગાવાતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીને મુશ્કેલી પડતી હોવાનુ જણાવ્યું હતું. વેપારીઓએ ઘણા વષોઁથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલા ભરાયા નથી.માટે ગંભીર બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક પગલા ભરવા માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવાર બજારમાં આવતા વેપારીઓ સસ્તા ભાવે માલસામાન વેચતા હોવાથી મોટા પાયે માલસામાનનું વેચાણ થતા સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડતી હોય છે. જેને કારણે પણ વેપારી રવિવારી બજારનો વિરોધ કરતા હોવાનું કહેવાય છે.સાથે કેટલાક વેપારી નાણાં કમાવવા દુકાની બહાર પાથરણાવાળાને જગ્યા આપી નાણાં વસુલતા હોવાની પણ ચચાઁ  ઉઠી છે. વેપારીઓએ રવિવારી બજાર બંધ કરાવવા રજૂઆત કરી છે. ત્યારે પાલિકા દિશામાં કેવુ વલણ અપનાવે તે જોવું રહયું.

(4:05 pm IST)