Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ડુંગળી-શાકભાજીના ભાવવધારા વચ્ચે હવે લોકોએ સુમુલના દુધ લેવા માટે પણ વધારાની ‌કિંમત ચૂકવવી પડશે

સુરત : ડુંગળી અને શાકભાજીની કિંમત બાદ હવે હવે શું દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીના માર વચ્ચે હવે લોકોને સુમુલના દૂધ માટે પણ વધારાની કિંમત ચૂકવવી પડશે. સુમુલ ડેરીએ પોતાના પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના લોકોને દર મહિને દૂધના ભાવમાં થયેલા વધારાનો બોજો ઉઠાવવો પડશે.

દક્ષિણ ગુજરાતમાં વસતા શહેરીજનો માટે આવતીકાલથી ચાની ચૂસકી મોંઘી પડી જશે. કારણકે સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમુલ ડેરીએ સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધાર્યો છે. મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ભારણ માથે આવ્યું છે. હાલ સામાન્ય વર્ગ માટે પડ્યા પર પાટું સમાન સ્થિતિ છે. ત્યારે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઘાસચારાની અછત અને દૂધની તંગીના પગલે ભાવ વધારાનો  નિર્ણય લેવાયો હોવાનું સુમુલ ડેરીના એમડી સવજી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમુલ ગોલ્ડ પાસસ્ચ્યુરાઈઝડ ફૂલ ક્રીમ દૂધ 500 મી.લી. 29 રૂપિયાનો, તો અમુલ શક્તિ પાસ્ચ્યુરાઈઝડ સ્ટાન્ડરડાઈઝ દૂધ 500 મિલી. 26 રૂપિયા 50 પૈસાનો ભાવ થયો છે. અમુલ તાજા પાસ્ચ્યુરાઈઝડ ટોન્ડ દૂધ 500 મી.લી. 22 રૂપિયાનો વધારો કરાયો છે. જોકે સુમુલ ગાયના દૂધમાં વધારો નહિવત છે. ઉલ્લેખનીય છે કે જે રીતે વધુ વરસાદ વરસ્યો હતો, તેને કારણે 12 ટકા જેટલું દૂધનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું. આ સાથે પશુધાન પણ મોંઘું થઈ ગયું હતું. જેને પગલે  દૂધનો ભાવના ભાવમાં વધારો ઝીંકાયો છે.

(5:29 pm IST)