Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ચિત્રકાર શરદ રાઠોડનું અમદાવાદમાં ચિત્રપ્રદર્શન

ચિત્રકલાની ઉંડી સુઝ તેઓના માતા પાસેથી પ્રાપ્ત થયેલીઃ ફિલ્મ પણ બની હતી : ૪ દાયકાની ચિત્રયાત્રાના અનુભવનો નિચોડ રજૂઃ ૩૧ ડિસેમ્બર સુધી પ્રદર્શન ચાલશે

રાજકોટ,તા.૧૦: સુપ્રસિધ્ધ ચિત્રકાર એવા શ્રી શરદ રાઠોડનું અમદાવાદ શહેરમાં ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયેલ છે. ગઈકાલથી શરૂ થયેલ આ ચિત્ર પ્રદર્શન તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલનાર છે.

અમદાવાદમાં આયોજીત ચિત્ર પ્રદર્શનનીમાં નામાંકિત ચિત્રકારો જેવા કે રાજેશ સાગરા, શરદ રાઠોડ, આર. એમ. પાલાનીયાપ્પન, કે. જી. સુબ્રહ્મણીયમ, પીરાજી સાગરા, શુભન્ના ભટ્ટાચાર્યજી, સમીતદાસ, ગોગી સરોજ પાલ, અમરનાથ શર્મા, જીજ્ઞાસા દોશી, અજય ચૌધરી, ચિંતન ઉપાધ્યાયમાં સ્થાન મેળવતા રાજકોટના એકમાત્ર ચિત્રકાર શરદ રાઠોડ જે રાજકોટ માટે અતિ ગૌરવની વાત છે.

૧૯૮૭માં મુંબઈની સુપ્રસિદ્ઘ  'તાઝમહેલ હોટલ' માં કેવળ પ્રદર્શન જ નહીં પરંતુ સો ટકા ચિત્રોનું સેલિંગ કરીને શરદ રાઠોડે માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત કીર્તિમાન સ્તંભ સ્થાપિત કરેલ છે અને બીજી વખત બેંગ્લોરની 'તાઝમહેલહોટલ' માં ડાયરેકટર મિ. મેનનની આગેવાની હેઠળ આયોજિત ચિત્ર પ્રદર્શનમાં 'બ્લાઇન્ડ' શો કરેલ જેમાં ચિત્ર પ્રદર્શનની પહેલા જ સમગ્ર ચિત્રોનું વેચાણ થઈ જવું જે જવલેજ બનતું હોય છે, આ ચિત્ર પ્રદર્શનીએ માત્ર શરદ રાઠોડને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકીને માન સન્માન અપાવેલ છે. આજની તારીખમાં પણ બંને તાઝમહેલ હોટલની દિવાલ શરદ રાઠોડના ચિત્રથી શોભાયમાન છે.

૨૦૦૩માં રાજકોટ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવના સહયોગથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આશરે ૩૦૦૦ બાળકોની ભવ્યાતિભવ્ય ચિત્રસ્પર્ધાનું સફળતાપૂર્વક ઓર્ગેનાઇઝેશન કરેલ.

ગુજરાતમાં કદાચ પ્રથમ એવી ઘટના હશે કે ચિત્રકાર પર કોઈ શોર્ટ ફિલ્મ બની હશે ૨૦૦૬માં મુંબઈના ઉચ્ચ દરજ્જાના ડોકયુમેન્ટરી ફિલ્મના સુપ્રસિદ્ઘ ડાયરેકટર શ્રી ધર્મેન્દ્રઓઝાએ કલાકારોની નગરી એવી મુંબઈમાંથી કોઈ કલાકારને ન લેતા આપણાં રાજકોટના સુપ્રસિદ્ઘ ચિત્રકાર શરદ રાઠોડ પર પોતાની પસંદગી ઉતારી ને 'સ્ટ્રોક વિથ સ્કવેર' નામની શોર્ટ ફિલ્મ બનાવી જેમાં ચિત્રકાર શરદ રાઠોડ પાસે નેત્રહીન ચિત્રકારની ભૂમિકા કરાવીને સફળ એકટર જેવો જાનદાર અભિનય કરાવ્યો હતો જે શોર્ટ ફિલ્મ ખુબ જ હૃદયસ્પર્શી બની હતી.

૨૦૧૭માં ગુજરાતના ઈતિહાસમાં વધુ કીર્તિમાન સ્થાપિત કરવા માટે શરદ રાઠોડે એક અનોખો પ્રયોગ કયો, જેમાં 'બર્ડ વ્યુ લેન્ડસ્કેપ' નામથી ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું જેમાંના દરેક ચિત્રો આકાશમાંથી જોઈએએ રીતના બર્ડ વ્યુનાં દ્રષ્ટિકોણથી બનાવવામાં આવ્યાં હતા અને મહત્વની વાત એ છે કે દરેક ચિત્ર અતિ કઠિન એવી 'એબસ્ટ્રેક' પદ્ઘતિથી બનાવવામાં આવ્યાં હતા જે રાજકોટ સાથે ગુજરાતમાં પણ આ પ્રથમ પ્રયોગ હતો અને તે ખૂબ જ સફળ રહ્યો હતો.

રાજકોટના નવોદિત ચિત્રકારો શરદ રાઠોડને પોતાની પ્રેરણા અને આદર્શ માનીને કલાની સાધના કરે છે. શરદ રાઠોડે અનેક માઈલસ્ટોન બનાવીને હજુ પણ ચિત્ર યાત્રા અવિરત ચાલુ રાખેલ છે. આ રીતે ૪૦ વર્ષની સતત ચિત્રયાત્રાનાં અનુભવનો નિચોડ આપતા કહે છે કે મારે આવનાર પેઢીને એક નવી દિશા આપવી છે, વર્ષોથી ચાલતી અને પ્રવર્તનમાન સમયની ચીલાચાલુ ચિત્રશૈલીને એક નવો દ્રષ્ટિકોણ આપી ભવિષ્યમાં સારા ચિત્રકાર આપવાનો ધ્યેય છે.

અમદાવાદમાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનોમાં ચુનંદા ચિત્રકારોની હરોળમાં પોતાનું આગવું સ્થાન મેળવીને શરદ રાઠોડે માત્ર પોતાનું જ નહીં પરંતુ રાજકોટનું પણ મસ્તક ઉન્નત કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ ચિત્ર પ્રદર્શનીમાં સ્થાન પામેલ શરદ રાઠોડ પર તેમના ચાહકો અને મીત્ર વર્તુળે અભિનંદનની વર્ષા અનેક માધ્યમ દ્વારા વર્ષાવી હતી, પરંતુ તેઓએ સહજતાથી આ સફળતાનો શ્રેય પોતાના ગુરૂવર્ય શ્રી સનતભાઇ ઠાકર, આંતરરાષ્ટ્રીય ચિત્રકાર એન. એસ. બેન્દ્રે (મુંબઇ) ને સાદર અર્પણ કરે છે. ચિત્રકલાની ઉંડી સુઝ પોતાની માતુશ્રી જશુમતિબેનનાં સંસ્કારોથી પ્રાપ્ત થયેલ હોવાનું તેઓએ જણાવેલ. શરદ રાઠોડને તેમના ચાહકો અને મિત્રવર્તુળ મો.૯૮૨૫૨ ૧૮૬૧૬ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(3:49 pm IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • કાશ્મીરમાં ઇન્ટરનેટ શરૂ કરવા અમેરીકી સંસદમાં ઠરાવ મુકાયો!! :૨૫ હજારથી વધુ ભારતીય અમેરીકનોએ ઇ-મેઇલ કરી ઉગ્ર વિરોધ કર્યોઃ કાયદો નહિ બની શકે access_time 1:09 pm IST

  • દેશમાં રોજગારીની કોઈ કમી નથી : નોટબંધી પછી બેરોજગારી વધ્યાના કોઈ ચિન્હ દેખાતા નથી : લોકસભામાં શ્રમ રોજગાર મંત્રી ગંગવાર ઉવાચ access_time 8:08 pm IST