Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મ્યુનિ. કમિશનરે કોર્પોરેટરને સ્ટુપીડ કહ્યાનો થયેલ આક્ષેપ

મ્યુનિસિપલ કમિશનર નેહરાએ શાસક પક્ષના નેતા તેમજ કોર્પોરેટરના આક્ષેપને ફગાવ્યા : કમિશનરે મિટિંગને છોડી

અમદાવાદ, તા.૯ : નવા પશ્ચિમ ઝોનની ઓફિસમાં આજે મળેલી બેઠક દરમ્યાન રોડના કામને લઇ એક તબક્કે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને વેજલપુરના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. શાસક પક્ષના નેતા અમિત શાહે એક તબક્કે મ્યુનિસિપલ કમિશનર પર આરોપ લગાવ્યો હતો કે, કોર્પોરેટરોએ રોડ-રસ્તાના કામો ન થતા હોવાની રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરને સ્ટુપીડ-રાસ્કલ કહી દીધું હતું. જ્યારે કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે, પ્રજાના પ્રશ્નો લઈને ગયા હોવા છતાં કમિશનર સાંભળતાં નથી. ૨૦૧૭થી રોડના કામ સરખા ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતભાઈએ લીસ્ટ બતાવતા કમિશનર ઉગ્ર બની ગયા હતા અને તેમાં આખીય વાત વણસી હતી.

             એક તબક્કે મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. છેવટે મ્યુનિસિપલ કમિશનર બેઠક છોડીને જતા રહ્યા હતા. જો કે, આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટરના આક્ષેપને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, મેં તેઓને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું પરંતુ તેઓએ ઉગ્રતાભર્યા સ્વરમાં  અયોગ્ય વર્તન ચાલુ રાખ્યું હતુ, જેથી વાતાવરણ ડહોળાય તે પહેલાં મેં બેઠક છોડી દીધી હતી. આમ, અમ્યુકોમાં શાસક પક્ષ અને વહીવટી પાંખ વચ્ચે ફરી એકવાર મોટો વિવાદ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બેઠક દરમ્યાન અમ્યુકો શાસક પક્ષના નેતા અમિત શાહના નેતૃત્વમાં ૨૨ કોર્પોરેટરોએ સુરેન્દ્ર કાકા સાથે મુલાકાત કરીને તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. આ અંગે અમ્યુકોમાં શાસક પક્ષના નેતા અમિત શાહે આક્ષેપ કરતાં જણાવ્યું કે, કોર્પોરેટરો ૨૦૧૭થી રોડ ન બની રહ્યા હોવા અંગે રજૂઆત કરી રહ્યા હતા.

              અમે ૨૦૧૭માં વોર્ડ સમિતિમાં લખીને આપેલા છે એ રોડ નથી થયા, સ્વભાવિક છે કે બે વર્ષથી રોડ ન થાય એટલે કોર્પોરેટરોનો આક્રોશ હોય, એટલે કમિશનર ગરમ થઈ ગયા યે નહીં સુનુંગા તો પછી દિલીપ બગડીયાને સ્ટુપીડ કહેતા બધા કોર્પોરેટરો ઉશ્કેરાઇ ગયા હતા અને આખરે મ્યુનિસિપલ કમિશનર ઉભા થઈ જતા રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, બધી જ માંગણી કોર્પોરેશનના કામોની હતી, બબાલ થાય એવી કોઈ માંગણી નહોતી. એમાં કમિશનરે અકળાવાની જરૂર નહોતી. જેટમાં તો અમે ફરિયાદ કરીને છોડી દઈએ છીએ. પરંતુ રોડ ન બને તો છ મહિનામાં તો વરસાદ પડશે ક્યાં કશું કામ થવાનું? પાછી ચૂંટણી આવે છે.

             તમે ચૂંટણીના વર્ષમાં બજેટ પડી રહ્યું છે અને કામ નથી થઈ રહ્યું એટલે કોર્પોરેટરો તો ઉઘરાણી કરેને, કોર્પોરેટરોની ઉઘરાણી તો વ્યાજબી હતી. પરંતુ કમિશનર ખોટા ગરમ થઈ ગયા. તેમને ઈગો છે કે મારી સામે કોઈ ન બોલવું જોઈએ. એવુ ના હોયને. તેમણે વધુમાં ઉમેર્યું કે, એમણે બગડીયાને સ્ટુપીડ અને રાસ્કલ કહ્યું એટલે કોર્પોરેટરો વધુ ગરમ થયા. એ કોર્પોરેશના પગારદાર માણસ છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છીએ. પાર્ટીમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે. થીગડા નહીં પણ રોડ રિસરફેસ માગીએ છીએ, સાબરમતીથી વાસણા જેવા આખા રોડ કેટલા થયા? મારી સામે નહીં બોલવાનું એવું થોડું હોય. તમે પ્રજાના પ્રતિનિધિ છો દરેક માણસ તમારી સામે રજૂઆત કરી શકે. જો કે, આ તમામ આક્ષેપોને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ફગાવ્યા હતા.

(9:24 pm IST)