Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કેન્સરની દવા બહાને લોકોને છેતરતા છ શખ્સોની ધરપકડ

સાયબર ક્રાઇમે ગંભીર ગુનાનો ભેદ ઉકેલ્યો : દવાનો ધંધો તમને આપવા માંગીએ છે કહીને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા : ઝડપાયેલામાં ત્રણ ગુજરાતી

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચના સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓએ કેન્સરની દવા બનનાવાનું લિક્વિડ મંગાવાના બહાને છેતરપિંડી કરતા ત્રણ  નાઈજીરીયન અને ત્રણ ગુજરાતી શખ્સ સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી બનાવટી પાસપોર્ટ-વિઝા સહિતના કેટલાક મહત્વના પુરાવાઓ પણ જપ્ત કર્યા છે. સાયબર સેલ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં લોરેન્સ, ગીતાંજલિ, નસાબા, કિંજલ ગડા, સાગર ગુપ્તા અને જેકસનનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી નાઈજીરીયન શખ્સો પાસેથી ફેક પાસપોર્ટ-વિઝા સહિતના નક્કર પુરાવા જપ્ત કર્યા હતા. આ સિવાય આરોપીઓ પાસેથી ૫૪ હજારની રોકડ સહિત ૭ જુદી જુદી બેંકોના એકાઉન્ટ પણ મળ્યા છે. જેના આધારે હવે પોલીસે વધુ તપાસ આરંભી છે. એટલું જ નહી, આ સમગ્ર કૌભાંડમાં રાજ્યભરમાંથી કેમિકલ મેળવવાના નામે અલગ-અલગ ૨૧ લોકોનો સંપર્ક કરી છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ લંડનમાં કેન્સરની દવા બનાવવાનું લિકવિડ ભારતથી જાય છે અને દવાનો ધંધો તમને આપવા માંગીએ છે કહી વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા હતા. ત્યારબાદ એક લીટર સેમ્પલ ૫ લાખ રૂપિયામાં વેપારી પાસેથી ખરીદાવી સેમ્પલ ચેક કરાવતા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થા(હુ)નું બનાવટી સર્ટીફિકેટ પણ બતાવતા હતા. આરોપી ગીતાજંલી આ કેસમાં પકડાયેલી આરોપી કિંજલ ગડાની જ સાવકી દીકરી છે અને સાગર ગુપ્તાની પ્રેમિકા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર કેસમાં હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, જેને પગલે આગામી દિવસોમાં આ કૌભાંડમાં મહત્વની વિગતો સામે આવે તેવી પણ પોલીસે શકયતા વ્યકત કરી હતી.

(9:13 pm IST)