Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજયમાં દિવાળીમાં ભકતો મંદિરોમાં ઉમટ્યા : વડતાલ મંદિરમાં દાનની આવકમાં ૩ ગણો વધારો, ઉંઝા ઉમીયા ધામને ૧ કરોડનું દાન મળ્યુ

ગાંધીનગર :  કોરોના કાળમાં દિવાળીના તહેવારોમાં બ્રેક લાગ્યા બાદ આ વર્ષે ફરીથી ગુજરાતના તમામ પ્રવાસન અને ધાર્મિક સ્થળોમાં લોકોની ભીડ જોવા મળી હતી.

રાજ્યભરના તમામ મંદિરો ભાવિક ભક્તોથી ઉભરાયા હતા. જેના કારણે મંદિરોને દાનની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

જો અંબાજી મંદિરની વાત કરીએ તો, દિવાળી પર્વના દિવસોમાં 2.65 લાખથી વધુ ભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા હતા. જ્યારે 4 નવેમ્બરથી 9 નવેમ્બર સુધીમાં દાનની 67 લાખ રૂપિયાથી વધુની આવક નોંધાઈ છે. જે ગત વર્ષે 47 લાખ રૂપિયા હતી.

આજ રીતે ઊંઝામાં માઁ ઉમિયાના દર્શન કરવા પણ લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મંદિર સુત્રો તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, ઉમિયા મંદિરને બેસતા વર્ષથી લાભ પાંચમ સુધીમાં ભક્તોએ અંદાજે 1 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. જ્યારે ચોટીલામાં દિવાળીના તહેવારના 3 દિવસમાં જ 5 લાખ જેટલા ભક્તોએ માઁ ચામુંડાના દર્શન કર્યા હતા.

આ વર્ષે વડતાલ ધામમાં દિવાળીથી લાભ પાંચમ સુધી ભાવિક ભક્તો દ્વારા અંદાજે 95 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. જે ગત વર્ષે 31 લાખ રૂપિયા જ હતું. આમ વડતાલ મંદિરની આ વર્ષે દાનની આવકમાં 3 ગણો વધારો નોંધાયો છે.

જો ડાકોરની વાત કરીએ તો, દિવાળીના દિવસો દરમિયાન પ્રતિદિન 50 હજાર ભક્તો રણછોડ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. જેમના થકી 5 દિવસમાં 65 લાખ રૂપિયાનું દાન આવ્યું છે.

(11:25 pm IST)