Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાતમાં કેટલાક સમયથી ડ્રગનો જંગી જથ્‍થો ઝડપાતા કોંગ્રેસ આક્રમક બની

અમીત ચાવડાના ડ્રગ અંગે ભાજપ પર પ્રહાર

ગાંધીનગર :  ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. આ ગુનામાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી હોવા છતાં

ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બન્યો હોય તેમ લાગી રહ્યું છે.

જેના પગલે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નીતિઓ પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં ઝડપાઈ રહેલા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ભાજપની સરકારને આડેહાથ લીધી હતી. અમિત ચાવડાએ કહ્યું કે, ગાંધી-સરદારની ભૂમિ શાંતિ પ્રિય ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. એજ ગુજરાતમાં આજે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે.

આજે ભાજપના શાસનમાં લાખો યુવાનો બેરોજગાર બન્યા છે. યુવાનોને રોજગાર આપવાને બદલે નશાના રવાડે ચડાવવા માટે જો કોઈ જવાબદાર હોય તો હપ્તાખોર ભાજપના શાસકો છે. છેલ્લા 5 મહિનામાં ગુજરાતમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાય તો સ્પષ્ટ દર્શાવે છે કે, જે 56ની છાતીની વાતોને ભાષણો થતાં હતા. તે 56ની છાતી વાળી સરકાર ગુજરાતની સરહદો સાચવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે.

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક ચાલી રહ્યું છે. આજે યુવાનો નશાના રવાડે ચડી ગયા છે. જેના કારણે દરેક માતા-પિતા ચિંતામાં છે. રાજ્યમાં શાળા-કૉલેજ તેમજ યુનિવર્સિટી બહાર ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યની યુવાપેઢીને નશાના રવાડે ચઢાવવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે.

ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલીક અંકુશ આવે તે જરૂરી છે. ડ્રગ્સના કનેક્શન મુદ્દે સરકાર ગંભીર થાય. માત્ર કરવા ખાતર કેસ ના કરે, પરંતુ કડક કાર્યવાહી કરીને ડ્રગ્સના દૂષણને ડામવું જરૂરી થઈ પડ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યના દરિયા કાંઠે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. અગાઉ આવી રીતે કેટલું ડ્રગ્સ આવ્યું અને કેટલું ક્યાં વેચાઈ ગયુ? તેની સરકારે તપાસ કરવી જોઈએ.

(10:51 pm IST)