Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અમદાવાદમાં યુવાધન નશાના આડે રવાડેઃ એસઓજી ટીમે શાંતીપુરાથી 2 ડ્રગ્‍સ પેડલરોને એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી પાડયાઃ 1.70 લાખનો મુદ્દામાલ જપ્‍ત

મુખ્‍ય આરોપી સુધી પહોંચડવા તપાસનો ધમધમાટ

અમદાવાદઃ અમદાવાદમાં યુવાધન નશાના રવાડે ચઢતું જોવા મળી રહ્યું છે. શહેરમાંથી પોલીસ અને NCB દ્વારા શહેરમાંથી અવાર નવાર એમડી ડ્રગ્સના માફિયાઓને ઝડપી પાડવામાં આવે છે. જો કે, આ ડ્રગ્સ માફિયાઓ પોતાના કારોબાર ચલાવવા માટે પેડલરોની મદદ લેતા હોય છે. ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે શાંતીપુરાથી બે ડ્રગ્સ પેડલરોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ શાંતીપુરા નજીકથી બે આરોપીની એમડી ડ્રગ્સની હેરાફેરી કરે તે પહેલાં ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં રહેલા બન્ને આરોપી મૂળ અમદાવાદના સરખેજ જુહાપુરાના રહેવાસી છે. બંને આરોપીના નામ મહોમ્મદ એજાજ અને શાહનવાઝ ગાંગી છે .પોલીસે બન્ને આરોપી પાસેથી 17.050 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત 1લાખ 70 હજાર થાય છે.

શહેરમાં વધતા ડ્રગ્સના દૂષણની વચ્ચે ગ્રામ્ય એસઓજી ઝડપેલાં આરોપીની પૂછપરછ કરતા બન્ને આરોપીઓ વેજલપુરના આદિલ નામના યુવક પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા અને ત્યાર બાદ તેની ડિલિવરી કરવાના હતા. હાલ ગ્રામ્ય એસઓજીએ ડ્રગ્સ મામલે બન્ને આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે હાલ તો પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.

(6:02 pm IST)