Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અમદાવાદમાં ચા, કોફી અને સૂપનું એટીએમ

માત્ર પાંચ રૂપિયાનો સિક્કો મશીનમાં નાખતાં પેપર-કપમાં મળે છે ગરમાગરમ ચા, કોફી અને સૂપ

અમદાવાદ, તા.૧૦: અમદાવાદમાં ટી, કોફી અને સૂપનું એટીએમ શરૂ થયું છે જેમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો મશીનમાં નાખતાં ગરમાગરમ ચા, કોફી અને સૂપ પેપર-કપમાં મળે છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં શરૂ થયેલો આ નવતર પ્રયોગ શહેરીજનોમાં અચરજ સાથે આવકાર્ય બન્યો છે. પોતાના ઘરના વરંડાની દીવાલમાં આ એટીએમ મૂકીને ૨૪ કલાકની સર્વિસ શરૂ કરનાર કિસન પટેલે કહ્યું હતું કે 'મારા સસરા મિલનભાઈ મોદીની સેવા કરવાની ઇચ્છા હતી અને હું ફોટોગ્રાફીનું કામ કરું છું એટલે અમે મોડી રાત્રે બહારથી આવીએ ત્યારે ચા મળે નહીં એટલે આ પ્રકારે એટીએમ શરૂ કરવાનો વિચાર આવ્યો અને એ શરૂ કર્યું છે. પાંચ રૂપિયામાં ચા, કોફી અને સૂપ આપવાનું શરૂ કર્યું છે. આ મશીન પાસે પેપર-કપ મૂકયા છે એ લઈને મશીનમાં નિયત જગ્યાએ મૂકીને મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખો એટલે તમારી ઇચ્છા મુજબ ચા, કોફી કે સૂપ પેપર-કપમાં ૭૫ એમ.એલ. ભરાઈ છે. અત્યારે શિયાળો શરૂ થયો હોવાથી અમે સૂપની સર્વિસ શરૂ કરી છે. રોજના દોઢસો કપ ચા, કોફી તેમ જ સૂપના જાય છે. પાંચ રૂપિયામાં ચા-કોફી મળતી હોવાથી આસપાસની ઓફિસોના કર્મચારીઓ પણ અહીંથી ચા–કોફી લઈ જાય છે.'

(3:58 pm IST)