Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

હાઇવે ઉપર ટ્રકની ટક્કર વાગતા એકનું મોત થયું

અકસ્માતમાં અન્ય ત્રણને ઇજા

અમદાવાદ, તા.૧૦ : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-૪૮ ઉપર તાપી હોટલ સામે ટ્રક ચાલકે બે બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,  જ્યારે એક મહિલા સહિત અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, અકસ્માતની ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યકિતના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તો, ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક મહિલા સહિત ઘાયલ થયેલા અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડતાં ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોમાં એક વ્યકિતના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(9:52 pm IST)