Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

દિવાળીના પર્વ પર શહેરમાં ત્રણની હત્યાથી ખળભળાટ

એસજી હાઇવે અને શાહીબાગમાં બે યુવકની હત્યાઃ જીવરાજપાર્કમાં મહિલાની લાશ મળી ઃ તહેવારોમાં પણ હત્યા અને ઘરફોડ ચોરીના બનાવોને પગલે પોલીસ દોડતી

અમદાવાદ, તા.૧૦: દિવાળી-બેસતા વર્ષના તહેવાર તાકડે જ શહેરમાં પરિણીતા સહિત ત્રણ લોકોની હત્યા નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો હતો. શહેરના  જીવરાજ પાર્કમાં પરિણીતાની, જ્યારે એસજી હાઈવે અને શાહીબાગમાં બે યુવાનની હત્યાના બનાવ સામે આવતાં શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને તહેવારોમાં પણ હત્યા અને ઘરફોડ ચોરી સહિતના બનાવો નોંધાતા પોલીસ તંત્ર દોડતુ રહ્યું હતું. અમદાવાદના એસ.જી.હાઇવે પર પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરતા ચકચાર મચી છે. એસ.જી.હાઇવે પર રહેતા દીનુ દેવીપૂજકના લીલા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ લીલાએ ત્રણ સંતાનને જન્મ આપ્યો હતો. લીલાને તેમના કુટુંબના ચિરાગ વાસપોડીયા નામના યુવક સાથે પ્રેમ થઇ જતાં એક મહિના પહેલાં તે સાત માસના પુત્રને લઇને નાસી ગઇ હતી. લીલા તેના બે સંતાન અને પતિ દીનુને છોડીને ચિરાગ સાથે રહેતી હતી. બન્ને પુત્રોની જવાબદારી દીનુના માથે આવતા તે લીલાને ફોન કરીને ઘરે પરત બોલવતો હતો, પરંતુ લીલા ઘરે પરત નહીં આવતાં તે ચિરાગ સાથે રોકાઇ હતી. દીનુએ અવારનવાર ફોન કરતાં ચિરાગ ઉશ્કેરાયો હતો અને નવા વર્ષના દિવસે રાતે તે જિજ્ઞેશ દેવીપૂજક, મેરુ દેવીપૂજક, ચિરાગ અને પોપટ સહિત અન્ય લોકોએ સાથે મળીને એસ.જી. હાઇવે પર આવી ગયો હતો અને દીનુને આડેધડ છરીના ધા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. દીનુ એસજી હાઇવેના જાહેર રોડ પર પરિવાર સાથે રહીને છૂટક મજૂરી કરે છે. ચિરાગ સાથે લીલાને પ્રેમ થઇ જતાં બન્ને જણા ભાગી ગયા હતા. દીનુએ પોતાની પત્ની લીલાને પરત આપવા માટે કૌટુંબિક ભાઇઓને વારંવાર કહેતો હતો. જે મામલાને લઇને દીનુ અને ચિરાગ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. લીલાના મામલે ચિરાગે દીનુને મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે તારી પત્નીને ભૂલી જજે. ચિરાગની ધમકી બાદ દીનુ લીલાની માગણી કરતો હતો. ચિરાગે તેના પાંચ જેટલા મિત્રો સાથે મળીને દીનુ દેવીપૂજકને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. વસ્ત્રાપુર પોલીસે દીનુની હત્યામાં સંડોવાયેલ ચિરાગ સહિત પાંચ કરતા વધુ વ્યકિતઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. તો બીજી તરફ નવા વર્ષે શાહીબાગમાં પણ એક યુવકની બહેનની સામે જ હત્યા કરી દેવાતા ખળભળાટ મચી ગયો હતો. શાહીબાગ વિસ્તારમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને નવા વર્ષના દિવસે બહેનની સામે દસ કરતા વધુ  છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શાહીબાગમા બળિયા લીમડી ચાર રસ્તા નજીક દિવાળીના તહેવારમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિપુરા મનુભાઈ ચાલીમાં રહેતો રપ વર્ષીય નીલેશ પરમાર પોતાની બહેનો સાથે ગરબા ગાવા ગયો હતો. ગરબા દરમ્યાન નીલેશના મિત્ર પાર્થને પ્રકાશ ઉર્ફે રાજા પરમાર અને બકુલ વાઘેલા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પાર્થને મદદ કરવા માટે નીલેશ વચ્ચે પડ્યો હતો અને તેણે પ્રકાશ અને બકુલ સાથે બબાલ કરી હતી.

બન્ને લોકો વચ્ચે થયેલી બબાલમાં પ્રકાશ અને બકુલ સહિતના આરોપીઓએ ભેગા મળી નીલેશને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકીને મોત ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

(11:56 pm IST)