Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

બે નકલી અમ્યુકો અધિકારી ઝડપાયા : પુછપરછ શરૂ થઇ

ફરસાણની દુકાનમાં તોડબાજી કરવા જતાં પકડાયા : સ્થાનિક લોકોએ બંનેને ઝડપી લઇ અમરાઇવાડી પોલીસને હવાલે કર્યા : પોલીસ દ્વારા ગુનો નોંધી ઉંડી ચકાસણી શરૂ

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે નકલી અમ્યુકો અધિકારીને સ્થાનિક લોકોએ દબોચી લીધા હતા. ફરસાણની દુકાનોમા ચેકીંગ કરી તોડબાજીનો પ્રયાસ કરવા જતાં આ બંને ગઠિયાઓ ઝડપાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ આ નકલી અમ્યુકો અધિકારીઓને આખરે અમરાઈવાડી પોલીસને સોંપ્યા હતા. અમરાઇવાડી પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આજે ફરસાણ સહિતની ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગના બહાને બે નકલી અમ્યુકો અધિકારીઓ પહોંચ્યા હતા અને વિવિધ લાયસન્સ વગર તમે ફરસાણ બનાવતા હોવાનો વેપારીઓને આ નકલી અધિકારીઓ દમ મારી રહ્યા હતા. જેને લઇ વેપારીઓ અને આ નકલી અધિકારીઓ વચ્ચે થોડુ ઘર્ષણ થતાં સ્થાનિક લોકો પણ ત્યાં એકત્ર થઇ ગયા હતા. તે દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ(જેટ)ની ટીમ ત્યાંથી પસાર થતા ભાંડો ફૂટ્યો હતો.

           જેટની ટીમના અધિકારીઓ ઉતરી બંને અમ્યુકો અધિકારીઓની પૃચ્છ કરતાં તેમના નાટકનો પર્દાફાશ થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ પણ ભારે રોષ વ્યકત કરી આ બંને નકલી અધિકારીઓને ઝડપી અમરાઈવાડી પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો અને બન્ને નકલી અધિકારીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એવી પણ હકીકત સામે આવી હતી કે, બંને ગઠિયાઓએ પ્રેસના નામે પણ દમ મારવાનો પ્રયાસ કર્યો હતો.

(8:47 pm IST)