Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ડાયાબીટીશમાં કટુપીલા નામનો છોડ જાદુઇ પરિણામો આપે છેઃ બનશે પેસ્ટ અને તેલ

જી.જી.હોસ્પિટલ, સમર્પણ તથા આયુર્વેદ હોસ્પિટલના ૨૦૦ દર્દીઓની સારવારનો રીપોર્ટ આયુષ મંત્રાલયને અપાશે : ટુંક સમયમાં ડોકટરો આ દવા લખી આપશેઃ ભારતભરમાં ઉપલબ્ધ થશે

અમદાવાદ, તા.૧૦: ડાયાબિટીસના દર્દીઓને ઈજાના લીધે થયેલા સડાને મટાડવામાં કટુપીલા નામનો છોડ જાદુઈ પરિણામ આપે છે. ટૂંક સમયમાં જ આ છોડ એલોપથીમાં પ્રીસ્ક્રાઈબ કરીને આપી શકાશે. કટુપીલા છોડના અર્કએ ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સડાના કારણે પગ કપાવવામાંથી ઉગારી લીધા છે. હાલમાં જ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડાયાબિટીસની રૂઢિગત સારવાર લઈ રહેલા ૨૦ દર્દીઓને કટુપીલાએ ઉત્સાહવર્ધક પરિણામો આપ્યા છે.

સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને આયુષ મંત્રાલયે આગામી બે વર્ષ માટે કટુપીલાની પેસ્ટ અને તેલનો ઉપયોગ એલોપથી સારવારમાં કરવાની મંજૂરી આપી છે. આ માટે ૨૦ લાખ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. એલોપથી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સારવાર માટે સ્વતંત્ર એમડી (આયુર્વેદ) કે એમએસ (આયુર્વેદ) ડોકટરની પસંદગી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (GAU) દ્વારા કરવામાં આવશે.

GAUના શાલ્ય તંત્ર વિભાગના ઈન-ચાર્જ અને અસોસિયેટ પ્રોફેસર ડો. ટી. એસ. દૂધમલે કહ્યું, જી.જી. હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત સમર્પણ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલના ૨૦૦ દર્દીઓની સારવારનો વિગતવાર રિપોર્ટ આયુષ મંત્રાલયને સોંપવામાં આવશે. એકવાર ડેટા અને રિપોર્ટ મંજૂર થાય પછી મંત્રાલય એલોપથી ડોકટર્સને આ સારવાર આવી સમસ્યાથી પીડાતા અન્ય દર્દીઓને સૂચવી શકશે. જેથી દર્દીઓને ફાયદો થાય. એક વખત એલોપથીમાં કટુપીલાનો દવા તરીકે ઉપયોગ થવા લાગે પછી તે બજારમાં પણ મળતી થઈ જશે. તબીબો આ દવાને પ્રીસ્ક્રાઈબ કરી શકશે અને ભારતભરમાં ઉપલબ્ધ થશે.

ડાયાબિટીસના દર્દીઓમાં પગનું ઈન્ફેકશન કે દ્યા પાંચ સેન્ટીમીટરથી વધુ ભાગમાં ફેલાય તો તે અવયવ કાપવો એકમાત્ર વિકલ્પ બચે છે. ત્યારે કટુપીલાના અર્કની મદદથી ૧૫ સેમી જેટલા ઘા પર પણ રૂઝ આવી હતી. GAUના ઈન-ચાર્જ વાઈસ ચાન્સેલર અનુપ ઠાકરે કહ્યું, આજકાલ દ્યણી આયુર્વેદિક દવાઓ એલોપથી ડોકટર્સ દ્વારા પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે. અમને આશા છે કે આયુષ મંત્રાલયની મંજૂરી બાદ કટુપીલાનો અર્ક મોટા પ્રમાણમાં તબીબો પ્રીસ્ક્રાઈબ કરી શકશે.થોડા વર્ષો પહેલા શ્રીલંકાથી આવેલો એક વિદ્યાર્થી GAUમાં કટુપીલાનો છોડ લઈને આવ્યો હતો. રિસર્ચના પહેલા બે તબક્કામાં યુનિવર્સિટીએ છોડના ઔષધીય ગુણ ચકાસ્યા હતા. ડોકટર્સના મતાનુસાર, આશરે ૬૦ ટકા ડાયાબિટીસના દર્દીઓને ફૂટ અલ્સર થાય છે અને તેમાંથી ૩૦ ટકા દર્દીઓને પગ કપાવવાનો વારો આવે છે.

કટુપીલા જેવા જ તત્વો ધરાવતો છોડ ગીર જંગલમાં મળી આવ્યો છે. જેને સ્થાનિક ભાષામાં હુમરી કહેવાય છે. ઘાની સારવાર માટે ગીરના જંગલમાંથી મળેલા છોડના રાસાયણિક તત્વો કટુપીલા જેવા જ છે ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ છોડ પર ઉંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે.

(11:45 am IST)