Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અંતે વટવામાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો : છની ધરપકડ

ગેરકાયદે કોલ સેન્ટર પકડાવાનો સિલસિલો જારી : અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી જુદી જુદી ફીના નામે લાખો રૂપિયા પડાવતા હતા : તપાસ શરૂ

અમદાવાદ,તા.૧૦ : વિદેશી નાગરીકો સાથે ઠગાઇ આચરનાર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરને બંધ કરાવવા માટે પોલીસ દ્વારા શહેરમાં અવારનવાર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તેમછતાં હજુ પણ શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટર પકડાવાનો સિલસિલો જારી રહ્યો છે. પોલીસ કેસથી બચવા માટે હવે ગઠીયાઓએ શહેરના ખૂણેખાંચરે નાના નાના કોલ સેન્ટર શરૂ કરી દીધા છે. આવું જ એક કોલ સેન્ટર ગઇકાલે મોડી રાતે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે પકડી પાડ્યું હતું અને આ ગુનામાં છ આરોપીઓને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી. ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતાં છ યુવકો અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી જુદી જુદી વેરિફીકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી સહિતની અનેક લાલચો આપીને રૂપિયા પડાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી છ લેપટોપ, છ મોબાઇલ, છ રાઉટર અને છ મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વટવા પોલીસને બાતમી મળી હતી કે, વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. બાતમીના આધારે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફની ટીમ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચીને દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ય યુવકોની ધરપકડ કરી હતી અને લેપટોપ અને મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ યુવકો વિરુદ્ધમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. થોડાક સમય પહેલા ડીસીપી સ્કોવોડે નિકોલ વિસ્તારમાં દિવ્ય જીવન સ્માર્ટ્સ હોમ્સના મકાન નંબર એ/૧૦પમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડ્યું હતું. જેમાં ચાર આરોપીઓની ઘરપકડ કરી હતી ત્યારે શાહઆલમ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે પે-ડે લોન પ્રોસેસનું ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી રહેલા ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ વિદેશી નાગરિકોને ફોન કરીને ફસાવતા હતા.

આમ, શહેરના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદે કોલ સેન્ટર પકડાતાં પોલીસે હવે આ મામલે તપાસ અને દરોડાનો દોર વધુ તેજ બનાવ્યો છે.

(7:33 pm IST)