Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

તો, નવરાત્રી પર્વના પ્રારંભે જ સુરત ૯ બોંબથી ધણધણી ઉઠયું હોત

પત્નિના પ્રેમીને ફસાવવા માટે પતિએ વિસ્ફોટક સામગ્રી એકઠી કરી હતીઃ રહસ્ય ખુલ્યું : સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્માના માર્ગદર્શનમાં એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ)એચ.આર.મુલીયાણા ટીમની જહેમત ફળી

રાજકોટ, તા., ૧૦: નવરાત્રી પુર્વે માતાજીની અસીમ કૃપાથી સુરત શહેરમાં એક સાથે ૯-૯ બોંબ ધણધણી ઉઠતા રહી ગયા છે. બીજા શબ્દોમાં કહીએ તો સુરત શહેરમાંથી મોટી ઘાત ગઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતના પોલીસ કમિશ્નર સતીષ શર્માના માર્ગદર્શન હેઠળ જેની ધરપકડ કરી છે. તેવા સોનુસીંગે આ કાવતરૂ શા કારણોસર  ઘડયું તેની એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા તથા  શ્રી સરવૈયા, રાહુલ પટેલ, વિજયસિંહ બહાદુરસિંહ  વિ. ટીમની તપાસમાં રસપ્રદ કારણ બહાર આવ્યું છે.

રામ્યા નામની એક દેહનો વેપાર કરતી યુવતી સાથે સોનુને પ્રેમ થઇ જતા સોનુને યેનકેન પ્રકારે પટાવી અને પોતાની પત્ની બનાવી લીધી હતી. શરૂઆતમાં તો બધુ બરોબર ચાલતુ હતું. પાછળથી સોનુ અસલ મિજાજમાં આવી જઇ પોતાની પત્ની રામ્યાને  માર મારતો હતો. આ દરમિયાન તેના પડોશમાં રહેતા ઉદયસીંગ નામનો શખ્સ કે જે અવારનવાર સોનુને ઘેર આવતો તેણે આ પતિ-પત્નિના મામલામાં રસ લેવો શરૂ કરેલ. દરમિયાન ઉદયસીંગને સોનુની પત્નિ રામ્યા સાથે પ્રેમ થઇ ગયો હતો. દરમિયાન સોનુ પોતાની પત્નિને માર મારતો ત્યારે ઉદયસીંગ ત્યાં દોડી આવી સોનુની પત્નિ અને પોતાની પ્રેમીકાને બચાવી લેતો. ધીરે-ધીરે સોનુને શંકા જવા લાગી. આ દરમિયાન રામ્યાએ સોનુને છોડી ઉદયસીંગના ઘરમાં બેસી ગઇ.  જમીન દલાલી સાથે પોલીસને માહીતી આપવાનું કાર્ય કરતા સોનુએ ગુસ્સાથી લાલચોળ થઇ ઉદયને ફસાવવા માટે કારસા ઘડવા લાગ્યો. શરૂઆતમાં તેના ઘરમાં અફીણ મુકીને ફસાવવો તેવુ વિચાર્યુ. ત્યાર બાદ તેને લાગ્યું કે ઉદયને વધુ ખરાબ રીતે ફસાવવો જોઇએ અને આ કારણસર તે બોંબની તમામ સામગ્રી કે જેમાં ડીટોનેટર, એમોનીયમ નાઇટ્રેડ, ટ્રાન્ઝીસ્ટર બેટરી, છરા, ટેસ્ટર વિગેરે લાવ્યો. એ ગુસ્સામાં ૯ બોંબ બને તેટલી સામગ્રી લાવ્યો અને ત્યાર બાદ ઉદયસીંગના ઘર પાસે મુકાવી અને પોલીસને પોતે જ ખાનગીમાં જાણ કરાવી હતી.

નવરાત્રી પુર્વે જ સુરતમાં આવડો મોટો બોંબનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ કમિશ્નર સતીષ શર્માએ ઉંડાણપુર્વક અભ્યાસ કરી તમામ માહીતી મેળવી બનાવની ગંભીરતા સમજી સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાના માર્ગદર્શનમાં  કરાવવા નક્કી કરતા આખુ કાવતરૂ જુદી રીતે જ બહાર આવ્યું હતું.

(3:30 pm IST)