Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરાઇ

ગણપતિ બાપા મોરિયા ના નાદથી વિરમગામ પંથક ગુંજી ઉઠ્યું, અનેક લોકોએ ઘરે ગણેશજીની સ્થાપના કરી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ શહેર સહિત અમદાવાદ  જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે વહેલી સવારથી જ ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ શહેરમાં વિજય ચોક, ગોલવાડી દરવાજા અંદર સહીતના  સાર્વજનિક સ્થાન પર વિઘ્નહર્તા ગણપતિ બાપાની શાસ્ત્રોક્ત વિધિથી પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. વાજતે ગાજતે  વિઘ્નહર્તા ગણપતિ બાપાને સત્કારવામાં આવ્યા હતા. ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોળીયાના નાદથી વિરમગામ પંથક ગુંજી ઉઠ્યું હતું.

સાર્વજનિક સ્થાનો ઉપરાંત વિરમગામ શહેરમાં અનેક લોકોએ પોતાના ઘરે ગણેશજીની  સ્થાપના કરી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણપતિ બાપાની પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવના પહેલા દિવસે વિરમગામવાસીઓએ  ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

     ભારદવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે વિરમગામ શહેર સહિત જિલ્લામાં ગણેશોત્સવનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. દશ દિવસ સુધી ઉજવાતા આ ઉત્સવનેને લઈને લોકોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરમગામમાં વિવિધ સ્થાન પર યુવક મંડળો, શેરી સોસાયટીઓના રહીશો દ્વારા ગણેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. વિરમગામમાં ભાદરવા સુદ ચોથના દિવસે શુભ મહુર્તમાં શાસ્ત્રોક વિધીથી ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ બાપાને પ્રિય લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને આરતી ઉતારવામાં આવી હતી. ઘરે સ્થાપના કરવા માટેની ગણેશજીની ઇકોફ્રેન્ડલી મુર્તિની વિરમગામ શહેરમાંથી ખરીદી કરવામાં આવી હતી

(6:24 pm IST)