Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કપડવંજના હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે યુવકોએ બાઈક ચાલકને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

કપડવંજ: તાલુકામાં બાઈક ચાલકે હોર્ન વગાડતાં બે યુવકોએ બાઈક ચાલકને ગંભીર રીતે માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ઘવાયેલા બાઈક ચાલકે કપડવંજ ટાઉન પોલીસે મથકે માર મારનાર બે ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કપડવંજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ૨૭ વર્ષીય સંજય અમરસિંહ ઠાકોર ગતરોજ સવારે મજૂરો લેવા પોતાના બાઈક પર સવાર થઈને ગોપાલપુરા મુકામે જતાં હતાં. આ દરમિયાન કપડવંજ શહેરના સરકારી ગોડાઉન પાસે બાળક રોડ પર આવતાં સંજયે મોટર સાયકલ ધીમું પાડી હોર્ન વગાડ્યો હતો. જેથી અહીંયા રહેતા જાવેદ જફરૂલ્લાખાન પઠાણ અને મોઈન ઉર્ફે શક્તિ મહંમદ ચૌહાણે ઉપરોક્ત મોટરસાયકલ ચાલકને હોર્ન કેમ વગાડ્યો તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડામાં ઉપરોક્ત બંને ઈસમોએ સંજયને અપશબ્દો બોલ્યા હતા. આથી સંજયે અપશબ્દો બોલવાની ના પાડતા વાત વધુ વણસી હતી. જેથી મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન મૂકી ભાગ્યો હતો. બાદમાં ડાકોર ચોકડી પાસે જાવેદ અને મોઈને ભેગા મળીને સંજયને પાઈપ અને પટ્ટા વડે માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ જતાં સંજયને વધુ મારથી છોડાવ્યો હતો. આ બાદ ઘવાયેલા સંજયને તુરંત સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સંદર્ભે સંજય ઠાકોરે કપડવંજ ટાઉન પોલીસમાં ઉપરોક્ત જાવેદ પઠાણ અને મોઈન ચૌહાણ વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

(5:12 pm IST)