Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અંબાજીના માર્ગો પર ' બોલ માડી અંબે જય જય અંબે 'ના નાદ ગૂંજ્યા : બીજા દિવસે 3.25 લાખ ભાવિકોએ મા ના દર્શન કર્યા

ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ: અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ

અંબાજી : યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે બાજી તરફ જતા તમામ રસ્તાઓ માઇભક્તોથી ભરચક બની રહ્યા છે. તાજેતરમાં થયેલ સારા વરસાદને લીધે ગરમીથી લોકોને રાહત મળતાં માઇભક્તો ઉત્સાહભેર અંબાજી તરફ ચાલી રહ્યા છે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં ઝરણાઓ પણ વહેતા હોવાથી યાત્રિકોને ન્હાવા-ધોવાની ખુબ સારી સુવિધા પ્રકૃતિના સાંનિધ્યમાં જ મળી રહી છે. હવે અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાયો છે અંબાજી તરફ જતા બધા રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ જોવા મળે છે

  બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર પીવાનુ પાણી, આરોગ્ય, લાઇટની સુવિધા, વિસામા કેન્દ્રો અને સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ ઠેરઠેર જોવા મળે છે. અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઇ યાત્રિકોએ સરાહના કરી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે મેળાની સમગ્ર પરિસ્થિતી પર ઝીણવટભરી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી રહ્યા છે. કલેકટરશ્રીએ મેળાના પ્રારંભ પહેલાં અંબાજીને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા અધિકારીઓને તાકીદ કરતાં સ્વચ્છતા માટે સ્પેશ્યલ ટીમો મુકીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિણામે અંબાજીના તમામ વિસ્તારો સાફ-સુથરા અને સ્વચ્છ બનતાં ઘણા યાત્રિકોએ અંબાજીની સ્વચ્છતાનીસરાહના કરી છે.

(11:59 am IST)