Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિક એસજીવીપી હોસ્પિટલથી ડિસ્ચાર્જ : આવાસે ઉપવાસ જારી

પોલીસ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં હાર્દિકે ચેતવ્યા : ઉપવાસ છાવણીએ પરત ફરતી વખતે હાર્દિક અને પોલીસ વચ્ચે ઉગ્ર રકઝક થઇ : પાટીદાર સમુદાયના લોકોમાં પોલીસના ગેરવર્તનને લઇ ઉગ્ર નારાજગી

અમદાવાદ, તા.૯ : પાટીદાર અનામત સમુદાય માટે અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ તેના અનશન જારી રહ્યા છે. હાર્દિક પટેલના સમર્થનમાં વધુને વધુ લોકો આવી રહ્યા છે. હાર્દિક પટેલના આવાસ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને આજે બપોરે આખરે એસજીવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ હાર્દિક સીધા ગ્રીનવુડ રિસોર્ટ ખાતેના નિવાસસ્થાનની ઉપવાસ છાવણીએ પરત ફર્યા હતા, જો કે, પોલીસે મેઇન ગેટ પાસેથી હાર્દિકની એમ્બ્યુલન્સ અટકાવતાં હાર્દિક અને તેના સાથીઓની પોલીસ સાથે ભારે રકઝક થઇ હતી અને એક તબક્કે પોલીસ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મીડિયાની હાજરીમાં હાર્દિકે પોલીસને આ પ્રકારની ધમકી નહી આપવા ચેતવ્યા હતા. પાટીદારો અને પોલીસ વચ્ચેની રકચક અને બબાલને લઇ મામલો ગરમાયો હતો. પોલીસના ગેરવર્તનને લઇ આજે પાટીદાર સમાજમાં પોલીસ પરત્વે ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. હાર્દિક પટેલે તેના સાથીઓના સહારે જ આખરે ચાલતાં જ ઉપવાસ છાવણી સુધી જઇ ત્યાં પહોંચી ફરીથી પોતાના આમરણાંત ઉપવાસનો ૧૬ મા દિવસનો તબક્કો આગળ શરૂ કર્યો હતો.

બીજીબાજુ, હાર્દિક પટેલ એસજીવીપી હોસ્પિટલથી સીધા જ ઉપવાસ છાવણીના સ્થળે પહોંચતા તંત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઇ હતી. એટલું જ નહી, પોલીસે આજે કડક સુરક્ષા કવચ ખડકી દીધુ હતું અને હાર્દિકને મળવા આવનાર મુલાકાતીઓને ફરીથી અટકાવવાનું શરૂ કર્યું હતુ., જેને લઇ પાટીદાર સમાજમાં ફરી એકવાર આક્રોશની લાગણી ફેલાઇ હતી. હાર્દિકની તબિયતમાં સુધારો જણાંતાં તેને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આજે રજા આપી દેવામાં આવી હતી. જો કે, હાર્દિક એમ્બ્યુલન્સમાં પોતાની ઉપવાસ છાવણીના સ્થળે પાછા ફરી રહ્યો હતો ત્યારે પોલીસે અચાકન જ તેની એમ્બ્યુલન્સ અટકાવી દીધી હતી અને તેમની એમ્બ્યુલન્સને અંદર જવા દેવાનો સાફ ઇનકાર કર્યો હતો, જેને પગલે હાર્દિક અને તેના સાથીઓ તેમ જ પોલીસ વચ્ચે ભારે રકઝક, જીભાજોડી અને બબાલ સર્જાઇ હતી. હાર્દિક પટેલના અનશનનો અંત લાવવા માટેના પ્રયાસો પણ થઇ રહ્યા છે. ધાર્મિક સંસ્થાઓ પણ મેદાનમાં ઉતરી છે. સમાજના જુદા જુદા અગ્રણીઓ દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. હાર્દિકના આંદોલનને લઇને કેટલીક સંસ્થાઓ દ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું છે.

(9:15 pm IST)