Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજયમાં ચોમાસુ વાવેતર ગયા વર્ષ કરતા વધ્યું

સૌથી વધુ ૨૫.૨૮ લાખ હેકટરમાં કપાસની વાવણીઃ મગફળી ગયા વર્ષ કરતા ઘટીઃ સોયાબીનનું વાવેતર ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુઃ કુલ વાવણી ૮૭.૮૯ ટકા

રાજકોટ, તા., ૯: ગુજરાતમાં ખરીફ પાકની વાવણીની મોસમ ચાલી રહી છે. કપાસ અને મગફળીનું વાવેતર લગભગ પુરૃ થઇ ગયું છે. અન્ય પાકોની વાવણી ચાલુ છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૮૭.૮૯ ટકા વાવેતર થઇ ગયું છે.  ગયા વર્ષની ૮ જુલાઇ સુધીમાં કુલ ૭પ૭૩૧૦૬ હેકટરમાં વાવેતર થયેલ. આ વખતે એ જ દિવસ સુધીમાં ૭પ૮૬૧૩૯ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ વાવેતર કપાસનું છે.

સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ૧૬૯૩૫૮૭ હેકટરમાં મગફળીની વાવણી થઇ છે. તે ગયા વર્ષે આ દિવસ સુધીમાં ૧૯૦૦૫૬૭ હેકટરમાં થયેલ. મગફળીના વાવેતરમાં આ વખતે ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષના આ દિવસ સુધીમાં ૨૨૪૦૭૬૫ હેકટરમાં કપાસનું વાવેતર થયેલ. આ વખતે ૮ ઓગષ્ટની સાંજ સુધીમાં ૨૫૨૮૩૫૪ હેકટરમાં કપાસની વાવણી થઇ છે. છેલ્લા કેટલાક વર્ષો બાદ કપાસ વાવેતરની દ્રષ્ટીએ નંબર વન પર આવી ગયો છે. ૭૯૨૨૫૫ હેકટરમાં ડાંગરની વાવણી થઇ છે. દિવેલા ૩.પ૦ લાખ હેકટરમાં વાવવામાં આવ્યા છે. સોયાબીન ૨૧૬૫૭૯ હેકટરમાં  વાવવામાં આવેલ છે. કુલ નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ સોયાબીનનું વાવેતર ૧૩૭.૧૦ ટકા થયું છે. ધાન્ય પાકો ૯પ.૧૩, કઠોળ પાકો-૮૩.૪ અને તેલીબીયા પાકો ૮૧.૩૭ ટકા વાવેતરમાં પહોંચ્યા છે.

(12:06 pm IST)