Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વિશ્વામિત્રીમાં છોડાતા પાણીનું પ્રમાણ ઘટ્યું :સ્થળાંતરનું આગોતરું આયોજન ;લોકોએ ગભરાવવું નહીં ;કલેકટર શાલિની અગ્રવાલ

વિશ્વામિત્રીની સપાટી સહિત જરૂરી બાબતોનું સતત મોનીટરીંગ: એનડીઆરએફ, એસડીઆરએફ, શહેર પોલીસ, ફાયરબ્રિગેડ ખડેપગે

 

વડોદરા :વિશ્વામિત્રીમાં છોડાતા પાણીના પ્રમાણમાં ઘટાડો થયો છે અને આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં હાલ વરસાદ નથી તેમજ સપાટી પણ ઘટી રહી છે  સ્થળાંતર સહીત માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કર્યું હતું ત્યારે લોકોએ ખોટું ગભરાવવાની જરૂર નથી તેમ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું

   કલેકટરે કહ્યું હતું કે  હાલમાં પ્રતાપપુરા અને આજવામાંથી કુલ ,૪૨૭ ક્યુસેક્સ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે.વિશ્વામિત્રીની સપાટી કાલાઘોડા ખાતે ૨૦ ફુટ થાય ત્યારથી જે-તે વિસ્તારોમાં પ્રભાવ પડવાની શક્યતા હોય તેની ઓળખ કરીને ચેતવણી આપવા તેમજ સ્થળાંતર કરવાનું આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતુ અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે.

  હાલમાં વરસાદના બીજા તબક્કામાં પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, બાવનચાલ, એકતા નગર, જલારામ નગર સહિતના શહેરના વિવિધ વોર્ડ્સમાં વહેંચાયેલા વિસ્તારોમાંથી ,૧૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખેસડવામાં આવ્યા છે અને તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે.
 
શહેરમાં અવારનવાર વરસાદી ઝાપટા શરૂ છે તેની વચ્ચે આરોગ્ય, સ્વચ્છતા, ડી-વોટરીંગ, ગટર સફાઇ અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા ઉપરાંત રસ્તાઓના પેચવર્ક સહિતના કામો સતત ચાલી રહ્યા છે. લોકો ખોટી અફવાઓથી ગભરાઇ કે ભોળવાઇ નહિ તેવો અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, વિશ્વામિત્રીની સપાટી સહિત જરૂરી બાબતોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે શહેરમાં રસ્તાઓ ચાલુ છે, વાહનવ્યવહાર ચાલુ છે, બ્રીજો ચાલુ છે જે સામાન્ય પરિસ્થિતિ દર્શાવે છે. સતત મોનીટરીંગ થઇ રહ્યું છે એટલે પ્રજાજનોએ ખોટો ગભરાટ અનુભવવાની જરૂર નથી. આજવાની સપાટી ઘટી રહી છે તેમ છતાં ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ જેવા વિવિધ કારણોસર વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે પરંતુ તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    
તળાવમાં દશામાંનું વિસર્જન સલામતી સાથે થાય તે માટે ફાયર બ્રિગ્રેડની ટીમો સાધનસુવિધા સાથે તૈનાત કરવામાં આવી છે. હાલના વરસાદી તબક્કા દરમિયાન શહેરમાં નવ અને જિલ્લામાં ચાર મળીને કુલ ૧૩ માનવમરણ નોંધાયા છે. હાલમાં વિવિધ તાલુકાઓના ચાર ગામો રસ્તા-માર્ગે સંપર્કવિહોણા છે પરંતુ ગામો સાથે ટેલિકોમ્યુનિકેશન કરીને સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. જિલ્લાના બંધો અને તળાવોની સપાટીઓનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
  
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ડભોઇ તાલુકાના પાંચ ગામોમાં ,૮૦૦ લોકોનું સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી. ઉપરાંત કરજણ, પાદરા, ડેસર, સાવલી જેવા તાલુકાઓમાં ઓછા પ્રમાણમાં સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી. નર્મદા અને દેવ નદીમાંથી પાણી છોડવાને પગલે સંબંધિત તાલુકાઓના કાંઠા વિસ્તારના ગામોને સાવધાન કરવામાં આવ્યા હતા. બંને ડેમોમાંથી છોડવામાં આવતા પાણીનું પ્રમાણ ઘટ્યું છે તેમ છતાં નદીકાંઠાના લોકો સાવધાની રાખે અને નદીકાંઠે જાય, પશુઓને લઇ જાય, નદીના પટમાં રોકાણ કરે તે પ્રકારની તકેદારીનું પાલન કરે તે જરૂરી છે.
   
હવામાન ખાતાએ વધુ એકવાર ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે તેના અનુસંધાનમાં પણ તંત્ર એલર્ટ છે.શહેર-જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની સાથે શહેર-જિલ્લા પ્રશાસને સર્વેની પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી. તે પછી વડોદરા શહેરમાં ૧૨૨ જેટલી ટીમો દ્વારા રાજય સરકારના નિયમો પ્રમાણે અસરગ્રસ્ત જણાયેલા લોકોને કેશડોલ્સ (રોકડ સહાય) અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી લગભગ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં ૮૬,૯૫૪ શહેરી અસરગ્રસ્તોને રૂ..૪૭ કરોડ જેટલી રોકડ સહાય નિયમોનુસાર ચૂકવવામાં આવી છે. ઉપરાંત રાજય સરકારના ધારા-ધોરણોને અનુસરીને ૧૯,૦૭૯ પરિવારોને ઘરવખરી સહાય પેટે રૂ..૫૧ કરોડની સહાય ચૂકવણી કરવામાં આવી છે. આમ, અસરગ્રસ્તોને કુલ રૂ..૨૯ કરોડની સહાયતા રાશિ ચૂકવી દેવામાં આવી છે.
 
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ કે પૂરથી અસર પામેલા ૧૬૫ પરિવારોને રૂ..૩૦ લાખ ઘરવખરી સહાયના રૂપમાં અને ,૫૬૩ વ્યક્તિઓને રૂ.૧૨.૮૮ લાખ કેશડોલ્સ (રોકડ સહાય)ના રૂપમાં ચૂકવવામાં આવ્યા છે. આમ, કુલ રૂ.૧૬.૧૮ લાખની સહાયતા રાશિ ચૂકવી દેવામાં આવી છે. કામગીરી હજુ ચાલી રહી છે.

(11:00 pm IST)