Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કરોડોના ખર્ચે બનેલ SVPના ૧૫માં માળ પર પાણી ભરાયા

૭૫૦ કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં બેદરકારી : દર્દીઓમાં મચેલી દોડધામ : વધારે પાણી ભરાવા લાગતા હોસ્પિટલનો સ્ટાફ દોડધામ કરીને પાણી ઉલેચવા લાગ્યો

અમદાવાદ, તા.૧૦ : શહેરમાં રૂ.૭૫૦ કરોડના ખર્ચે બનેલી અને ૭ મહિના પહેલા જ શરૂ થયેલી એસવીપી (સરદાર વલ્લભભાઈ હોસ્પિટલ)એટલે કે નવી વી.એસ.હોસ્પિટલના ૧૫માં માળે પાણી ભરાયું છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ વધુ એકવાર ખુલ્લી પડી છે. થોડા દિવસ પહેલાં જ એસવીપી હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી પડવાની ઘટના સામે આવી હતી અને હવે આટલા વરસાદમાં ૧૫ મા માળે પાણી ભરાઇ જતાં હોસ્પિટલ તૈયાર કરવામાં રહી ગયેલી ગંભીર ખામી, ક્ષતિઓ અને તંત્રની અને કોન્ટ્રાકટરની મિલીભગતની લાલિયવાળી ખુલ્લી પડી જતાં ભારે ચકચાર મચી ગઇ છે.

           અમદાવાદમાં શહેરમાં મધરાતે પડેલા વરસાદમાં એસવીપી હોસ્પિટલના ૧૫માં માળે અચાનક પાણી ભરાવા લાગતા હોસ્પિટલનો સ્ટાફ દોડધામ કરી પાણી ઉલેચવા લાગ્યો હતો. તેમાં પણ દર્દીઓના બેડના વોર્ડમાં જ પાણી ભરાતા દર્દીઓ પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં જ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, ધાબા પર અમુક જગ્યાએ સ્પાઇનમાંથી પાણી ઉતર્યું હતું. ૧૫માં માળે આવેલા ડોક્ટરોના હોસ્ટેલ અને રૂમમાં પાણી આવી ગયું હતું અને જે જગ્યાએથી પાણી પડ્યું હતું ત્યારે આડશ કે દીવાલ બનાવી દેવાશે.

          જેથી પાણી ન આવે. ઉલ્લેખનીય છે કે, હજુ અઠવાડીયા પહેલા એટલે કે તા.૨ ઓગસ્ટે એસવીપી હોસ્પિટલની બી-૨ વોર્ડની પીઓપીની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા. ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આ તમામ સુવિધાઓ અને દાવાઓ વચ્ચે એક પછી એક ખુલ્લી પડી રહેલી લાલિયાવાળી અને ક્ષતિઓને લઇ સત્તાધીશોના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે અને સમગ્ર હોસ્પિટલના નિર્માણને લઇ હવે કયાંક ને કયાંક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

(9:17 pm IST)