Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ગુજરાતભરમાં કુલ ૭૦ ટકા વરસાદ : ૧૬ ડેમો છલકાયા

૬ વર્ષ બાદ નર્મદાએ ૨૮ ફૂટની સપાટી વટાવી : એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે આર્મી અને એરફોર્સની પ્લાટુન પણ રાહત અને બચાવની કામગીરીમાં

અમદાવાદ, તા.૧૦ :  સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં ૭૦ ટકા વરસાદ પડી ચૂક્યો છે. ૧૬ ડેમ પૂરેપૂરો ભરાઈ ગયા છે જ્યારે ૧૨ ડેમ ભરાવાની તૈયારીમાં છે. શનિવારે સાંજ સુધીમાં અમદાવાદ જિલ્લાના બરવાળામાં સૌથી વધુ ૧૬, મહુધા-ધંધુકામાં ૧૪ અને કડીમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાતા ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો, શુક્રવારે રાજ્યના ૯૩ તાલુકાઓમાં ૨થી ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ગચોય જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના મહુધામાં ૧૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગભગ સર્વત્ર વરસાદ પડ્યો છે. 

            ડેડિયાપાડામાં ૭, છોટાઉદેપુરમાં ૭ જ્યારે પાટણના સરસ્વતીમાં ૫.૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૧૮ ટીમો અને એસડીઆરએફની ૧૧ ટીમો તહેનાત કરાઈ છે. તો, સાથે સાથે આર્મી અને એરફોર્સની પ્લાટુન પણ રાહત અને બચાવની કામગીરીમાં સામેલ કરાઇ છે. તો, ચોમાસાની સીઝનમાં તાજેતરના ભારે થી અતિ ભારે વરસાદના કારણે ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે ૬ વર્ષ બાદ નર્મદા નદીએ ૨૮ ફૂટની સપાટી વટાવી હતી.

            નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતાં ભરૂચ કિનારે નર્મદાને ૬ વર્ષ બાદ બે કાંઠે અને તેના રૌદ્ર સ્વરૂપમાં જોવાનો લહાવો મળ્યો હતો. નર્મદા ડેમના દરવાજા રાત્રીના ૩ કલાકે ખોલવામાં આવતાં નર્મદા નદીનું જળસ્તર ઊંચું આવ્યું હતું. સવારે ૭ વાગ્યા બાદ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળ્યો હતો.

(9:14 pm IST)