Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

અમદાવાદમાં પાંચ ઇચથી વધારે વરસાદ : ચારેબાજુ જળબંબાકાર

અમદાવાદમાં સિઝનનો કુલ ૧૮.૩૮ ઇંચ વરસાદ નોધાઈ ગયો : અમદાવાદના સરખેજમાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ : અનેક જગ્યાએ ભુવા પડવાની, ખાડાઓ પડવાની, રસ્તાઓ તૂટવાની, વૃક્ષો પડવાના બનાવો બન્યા

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ થયેલી મેઘમહેર આજે પણ શહેરમાં ચાલુ રહી હતી. જો કે, ગઇ મોડી રાત્રે મેઘરાજાએ જોરદાર જમાવટ કરી શહેરમાં તોફાની બેટીંગ કરી હતી. તેના કારણે શહેરમાં ચોમાસાની જોરદાર જમાવટ જોવા મળી હતી. આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા. શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગઇકાલે રાતથી લઇ અત્યારસુધી પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  આ સાથે જ અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ૧૮.૩૮ ઇંચ નોંધાયો છે.

           શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ખાબકેલા વરસાદને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જો કે, પૂર્વના વિસ્તારમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી હતી. હાટકેશ્વર સર્કલ તો દર વખતની જેમ આ વખતે પણ સંપૂર્ણ બેટમાં ફેરવાઇ ગયુ હતું. આ જ પ્રકારે મણિનગર ગોરના કુવા, અમરાઇવાડીમાં જનતાનગર, ગાયત્રીનગર, જોગણીમાતાના મંદિર પાસે, સીટીએમ જામફળવાડી વિસ્તારમાં, રામોલ માર્ગ પર કેનાલ પાસે, ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો, મણિનગરના જવાહરચોક, બાપુનગર, નિકોલ, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાઇ ગયા હતા. આજે અમદાવાદ સહિત રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો.

             શહેરમાં મોડી રાતે મેઘરાજાએ જોરદાર ધમાકેદાર બેટીંગ કરી ધોધમાર અને તોફાની વરસાદ વરસાવ્યો હતો. દરમ્યાન આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા ચાલુ રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ શહેરના સરખેજ વિસ્તારમાં નવ ઇંચ જેટલો નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં એકંદરે સરેરાશ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે સરખેજ, વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, પાલડી, આંબાવાડી, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ, નારણપુરા, નવરંગપુરા, મેમનગર, સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જયારે પૂર્વમાં નરોડા, મેમ્કો, અસારવા, મેઘાણીનગર, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, વટવા, નારોલ, નરોડા,  બાપુનગર, નિકોલ, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, પ્રહલાદનગર, ધોધમાર વરસાદ નોંધાયો હતો. જો કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીનો દિવસ દરમ્યાન નિકાલ થઇ જતાં લોકોએ રાહત અનુભવી હતી પરંતુ પૂર્વના વિસ્તારમાં પાણી ભરાવી સ્થિતિ યથાવત્ જોવા મળી હતી. શહેરમાં ભારે વરસાદના કારણે અને પાણી ભરાવાની સ્થિતિના કારણે જુદા જુદા વિસ્તારમાં અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો.

            તો, અનેક સ્થળોએ ભુવા પડવાની, ખાડા પડવાની અને વૃક્ષો ધરાશયી થવાની તેમ જ રસ્તાઓ તૂટવાની ફરિયાદો ચાલુ રહી હતી. છેલ્લા બેથી ત્રણ દિવસના વરસાદના કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ છે. મોડી રાત્રે ત્રણ વાગે ભારે વરસાદની શરૂઆત થયા બાદ દિવસ દરમિયાન વરસાદ જારી રહ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ અંડરબ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણિપ અને ચાંદખેડા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયુ હતુ.

            પાણી ભરાઇ જવાના કારણે સવારમાં લોકો અટવાયા હતા. મોટા ભાગની સ્કુલોમાં બાળકો પુરતી સંખ્યામાં પહોંચી શક્યા ન હતા. ભારે વરસાદ વચ્ચે પાણી ભરાઇ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી હતી. લોકોના વાહનો પણ બંધ થઇ ગયા હતા. શહેરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો હતો. અનેક વિસ્તારો પાણીમાં ડુબી ગયા હતા. શહેરમાં ચાર અન્ડરપાસને સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં શાહીબાગ , ઉસ્માનપુરા, અખબારનગર, અને પરિમલ ગાર્ડન અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. પાણી ભરાઇ જવાના કારણે અંડરપાસ બંધ કરવામા ંઆવ્યા હતા.

            જો કે ટ્રાફ્કિના કારણે શાહીબાગ અને ઉસ્માનપુરા માર્ગને ખોલી દેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના દક્ષિણ પશ્વિમ ઝોનમાં સૌથી વધુ આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર પશ્વિમ ઝોનમાં ૧૪૬ અને પશ્વિમ ઝોનમાં ૧૨૬.૭૮ મીમી વરસાદ થયો છે. સૌથી વધારે હાલત કફોડી સરખેજમાં થઈ હતી. વાસણા બેરેજનુ લેવલ ૧૨૬ ફુટ છે.

ઝોન વાઈઝ વરસાદ....

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદમાં મોસનો કુલ વરસાદ ૧૮.૩૮ ઇંચ નોંધાયો છે. જુદા જુદા ઝોનમાં થયેલો વરસાદ નીચે મુજબ છે.

ઝોન........................................... વરસાદ (મીમીમાં)

પૂર્વ ઝોન................................................. ૧૦૧.૫૨

પશ્વિમ ઝોન............................................. ૧૨૬.૭૮

ઉત્તર-પશ્વિમ ઝોન.......................................... ૧૪૬

દક્ષિણ-પશ્વિમ ઝોન................................... ૧૯૯.૫૦

મધ્ય ઝોન..................................................... ૧૨૨

ઉત્તર ઝોન................................................. ૮૭.૮૨

દક્ષિણ ઝોન................................................... ૧૧૦

સરેરાશ વરસાદ....................................... ૧૨૭.૬૬

(8:58 pm IST)