Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ખેડા પાસે ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું મોત

ખેડા : જિલ્લાના છેવાડે આવેલ ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે આજે સવારે બનેલ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવારનું મૃત્યુ થયું છે. ઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ તરફ જવાના રસ્તે ભયજનક વળાંકમાં પુર ઝડપે જઇ રહેલ કાર અને બાઇક સામ સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તુરંત સારવાર નહી મળતા બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. ઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ તરફ જવાના રસ્તે વાત્રક નદીના પુલ પાસે ભયજનક વળાંક છે. આજે સવારના સમયે બાઇક નં.જીજે.૨૭.૩૭૮૪નો ચાલક દિવ્યેશ ટીનાજી ખાંટ પોતાનું બાઇક લઇ ઉત્કંઠેશ્વર મહાદેવ દર્શન કરવા જઇ રહ્યો હતો. તે સમયે સામેથી આવતી કાર નં.જીજે.૯.બીએફ.૯૦૧૦ ના ચાલકે પોતાની કાર બેદરકારીથી ચલાવી દિવ્યેશના બાઇક સાથે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માત એટલો તો જોરદાર થયો હતો કે ઘટનાને કારણે બાઇકમાં આગ લાગી ગઇ હતી અને આખે આખુ બાઇક આગમાં ભસ્મિભુત થઇ ગયું હતું. જ્યારે બાઇક ચાલક હવામાં ફંગોળાઇ જમીન પર પછડાતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેને સમયસર સારવાર નહી મળતા તેનું પણ ઘટના સ્થળ પર જ મૃત્યુ થયુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે દહેગામ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:52 pm IST)