Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ગુજરાતભરમાં અનરાધારઃ નદીમાં નવા નીરની ધૂમ આવક

મહુવા ૧૪, ધંધુકા ૧૩, કડી ૧૨: નર્મદા નદીનું પાણી ભરૂચ પંથકમાં આવતા ભારે હાલાકીઃ દક્ષિણ ગુજરાતમાં બે મહિલાના મોતઃ તાપી નદીના કિનારાના વિસ્તારોને સર્તક કરાયા

રાજકોટ તા. ૧૦: સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહિત રાતભરમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. કયાંક હળવો વરસાદ છે તો કયાંક અનરાધાર-તો કયાંક પડી રહેલો છે સાંબેલાધાર.

એકબાજુ ભારેથી અતિ ભારે વરસાદનો બીજુબાજુ મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ પંથકમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ત્યાંની ડેમોની જળસપાટી ફુલ લેવલ અનુસાર રાખવા મોટી માત્રામાં પાણી છોડાઇ રહ્યું છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા જેની સીધી અસર ભરૂચના ગોલ્ડન બ્રીજને થતા અહીંના નિચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ઘુસ્યા છે.

ભરૂચમાં જળસપાટી ર૮ ફુટે પહોંચતા નર્મદા બેકાંઠે વહેવા લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આની ભયજનક જળસપાટી ર૪ ફુટ છે જેને બદલે હાલમાં ર૧ ફુટે પહોંચી છે. આશરે ૬ વર્ષ બાદ નર્મદામાં પુરની સ્થિતિ ઉભી થઇ છે.

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી આશરે ૭ લાખ કયુસેક પાણી છોડાયું છે. આ સિઝનમાં બીજી વાર હથનુર ડેમના તમામ ૪૧ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સડસડાટ વધીને ૩૩૪ઉ૦૧ ફુટ પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેમની ભયજનક સપાટી ૩૪પ ફુટ છે. કુલ લેવલ અનુસાર જળસપાટીનો આંક સતત વધતા વહીવટીતંત્ર બાજ નજર તો રાખીજ રહ્યું છે.

પરંતુ સ્થિતી અનુસાર અહીંથી ૧,૮પ,પર૧ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. આજ સવારના ૮ અનુસાર ડેમમાં પ,૬૦,૩૪૩ કયુસેક પાણીનો ઇનફલો થઇ રહ્યો છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

જોકે વહીવટી તંત્રએ ખાસ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સુરત શહેરને હાલ પુરતું કોઇ સંકટ નથી અને લોકોએ ખોટી અફવાથી ગભરાવાની જરૂર નથી. ઉકાઇ ડેમનું કુલ લેવલ ૩૩પ ફુટ છે અને આજે સવારે ૯ વાગે જળસપાટી ૩૩૪.૦૧ ઉપર જ પહોંચી છે.

આમ છતાં વહીવટી તંત્રએ કુલ લેવલનો મોહ છોડી આગોતરા આયોજનના ભાગરૂપે પાણી છોડવાનું શરૂ કર્યું છે.

હથનુર તેમજ ઉકાઇ ડેમમાંથી છોડાતા પાણીને પગલે મહારાષ્ટ્રના જલગાંવ, ધુલિયા, નોટબાર તેમજ તાપી તથા સુરત પંથકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તાપી કિનારે ન જવા તંત્રએ અનુરોધ કર્યો છે. સુરત જીલ્લા કલેકટર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં બેસીને સ્થિતિ ઉપર ચાપતી નજર રાખી રહ્યા છે.

દ. ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અહીં અકકલકુવાના મૌલીપાડામાં તણાઇ જવાથી લીલાબેન પાણી નામના મહિલાનું મોત નીપજયું છે તો ચપખડ ગામે ઘરની દિવાલ પડવાથી કાંતાબેન ભીલ નામની મહિલાનું મોત નિપજયું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ, વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા સૌ પ્રથમ ઉ. ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં ચાકલ્સમાં ૩૬ મી.મી. હારીજ ૭પ મી.મી., પાટણ પપ મી.મી. સરસ્વતી ૧૪૦ મી.મી. શાંતેશ્વર ૯૦ મી.મી. અને સિધ્ધપુર પ૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આમ ઉ. ગુજરાતમાં ૧૧ મી.મી.થી લઇ ૩૦૧ મી.મી. સુધીનો ભારે વરસાદ નોંધાયેલછે. તો કચ્છમાં પ૦ મી.મી.થી લઇ ૧૮૯ મી.મી. સુધીનો વરસાદ નોંધાયેલ છે.જયારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં ૮  મી.મી. થી લઇ ૩રર મી.મી. સુધીનો અતિ ભારે વરસાદ નોંધાયેલછે. તો દ. ગુજરાત પંથકમાં ૧૦ મી.મી.થી લઇ ૧૯ર મી.મી. સુધીનો ભારે વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે મેઘરાજાએ પોતાની મીટ સૌરાષ્ટ્ર તરફ કરી હોવાનું જણાઇ રહ્યું છે.

(3:33 pm IST)