Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

હથનૂર ડેમના ૪૧ દરવાજા ખોલાયા : તાપી- પૂર્ણા નદીના કિનારાના ગામો એલર્ટ

અમદાવાદ, તા. ૧૦ : મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેની સીધી અસર ગુજરાત ઉપર થઇ છે.

આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજયને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના હથનૂર ડેમ વિસ્તારમાં ૪૦૦ મિમિ જેટલો અતિ ભારે વરસાદ ખાબકયો છે. જેથી ફરી એકવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા આખા ઓપન કરી દેવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો, હથનૂર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની આ વખતની સીઝનમાં મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજાઓ બીજી વાર ખોલી નાંખવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્ગમ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હતનૂર ડેમની સપાટીમાં વધી જતાં ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યા છે. જલગાવ જિલ્લાના કલેકટર ડો અવિનાશ ઢકાણે દ્વારા નદી કિનારે આવેલા ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવતાં સુરતના ઉકાઇ ડેમમાં પણ જળસપાટીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શકયતા હોઇ તંત્ર પર હાલ એલર્ટ છે.

(3:32 pm IST)