Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

'મોન્ટુની બિટ્ટુ'નું બીજુ ધમ્માલ પાર્ટી સોંગ 'પાક્કી અમદાવાદી' રિલીઝઃ મોટો પ્લસ પોઇન્ટ છે કોરસ

૨૩મી ઓગષ્ટથી રિલીઝ થઇ રહ્યું છે મસ્ત મજાનું ગુજરાતી ફિલ્મ : અમદાવાદી મિજાજને સુંદર રીતે ઝલ્યો છે અમદાવાદના જ લેખક દિલીપ દવેએઃ સિધ્ધાર્થ ભાવસારની ગાયકી ગજબની ખીલી છેઃ મેહુલ સુરતીનું મનભાવન સંગીતઃ કુલ ૪૮ ગાયકોએ આપ્યો છે સ્વર

રાજકોટ તા. ૧૦: વિજયગીરી ફિલ્મોસ પ્રોડકશન હાઉસની ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું ટ્રેલર અને મ્યુઝિક દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. ટ્વિંકલ બાવા દ્વારા નિર્મિત આ ફિલ્મ સાતમ આઠમના તહેવારોમાં ૨૩ ઓગસ્ટના દિવસે ગુજરાતભરમાં રીલીઝ થશે. ડિરેકટર વિજયગીરી બાવાની આ ફિલ્મમાં જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ મ્યુઝિક આપ્યું છે. ગયા અઠવાડિયેો સંગ 'રંગ દરિયો' રીલીઝ થયું હતું. ઐશ્વર્યા મજમૂદારના જાદૂભર્યા અંદાજમાં ગવાયેલા એ રોમેન્ટિક ગીતને લોકોએ ખૂબ વખાણ્યું છે. હવે રીલીઝ થયું છે ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું બીજું ગીત 'પાક્કી અમદાવાદી'. આ એક ધમ્માલનું પાર્ટી સોંગ છે. આ ગીત અમદાવાદના જાણીતા ગીતકાર દિલીપ દવેએ લખ્યું છે.

  દિલીપ દવેએ આ ગીતમાં અમદાવાદી મિજાજને બહુ સુંદર રીતે ઝીલ્યો છે. અમદાવાદની પોળ ધબકતી દેખાય છે. મોટા ભાગે 'પાક્કી અમદાવાદી' સ્ટોરી ટેલીંગનું ગીત છે. આખા ગીતમાં વાર્તા કહેવામાં આવી છે જે તમને સ્ક્રીન પર પણ જોવા મળે છે. જાણીતા ગાયક સિદ્ઘાર્થ ભાવસારે આ ગીતને ગાયું છે અને એમની ગાયકી જાણે આ ગીતમાં સોળે કળાએ ખીલી ઉઠી છે. આ ગીત લોકોને પસંદ પડી રહ્યું છે એમાંનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ગીતનું કોરસ. કોરસમાં સોળ ગાયકોએ અલગ અલગ લેયરમાં ત્રણ વખત ગીત ગાયું છે. આમ આ ફિલ્મમાં કુલ ૪૮ ગાયકોએ સ્વર આપ્યો છે.

સંગીતકાર મેહુલ સુરતીના સંગીતનો જાદુ પાક્કી અમદાવાદી ગીતમાં પથરાયો છે. સંગીતકારના કહેવા પ્રમાણે આ એક લેટીન ગુજરાતી ગીત છે.બ્રાસ સેશન અને રીયો ફેસ્ટિવલના કાર્નિવલ ડ્રમથી આ ગીત ખાસ બની જાય છે. ડિઆઈડી ફેમ જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ આ ગીતને કોરિયોગ્રાફ કર્યું છે. જેમાં આરોહી પટેલ, મૌલિક નાયક, હેમાંગ શાહ ધમાકેદાર ડાન્સ મુવ કરતા જોવા મળે છે.  જાણીતા કલાકારો પીંકી પરીખ દેસાઈ, હેપ્પી ભાવસાર, કૌશાંબી ભટ્ટ અને કિરણ જોષી આ ગીતમાં પોતપોતાના ખાસ કિરદારોમાં જોવા મળે છે. પાક્કી અમદાવાદી ગીતમાં આખી વાર્તા પર્ફોમ થતી હોવાની ફીલ આવે છે.

બિટ્ટુનો કિરદાર નિભાવતી આરોહી પટેલને જોવા માટે પોળમાં અલગ અલગ મુરતિયાઓ આવી રહ્યા છે એ વાતને ફન સાથે રજૂ કરવામાં આવી છે.અમદાવાદની પોળમાં આ ગીત ફિલ્માવાયું છે. આખા ગીતમાં પોળની ફિલ અને પોળનું કલ્ચર બહુ સુંદરરીતે ઝીલાયું છે.ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારે અગાઉ આવું ધમાકેદાર સ્ટોરી ટેલીંગનું ગીત જોવા નથી મળ્યું. 

અત્રે ઉલ્લેખનીય છે જાણીતા લેખક રામ મોરીએ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની સ્ટોરી અને ડાયલોગ્સ લખ્યા છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે વિજયગીરી બાવા, પ્રાર્થી ધોળકિયા અને રામ મોરીએ લખ્યો છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(11:31 am IST)