Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

મુખ્યમંત્રીના 'મનની મોકળાશ'માં સફળતાની'સંકળાશ': બેરોજગારી બેફામ, દારૂની રેલમછેલ, શિક્ષણમાં ખુલ્લી લૂટ

સરકારની ૩ વર્ષની કહેવાતી સિધ્ધીઓ સામે સવાલો ઉઠાવતા ડો. મનીષ દોશી

રાજકોટ તા ૯  :  મુખ્યમંત્રીના ''મનની મોકળાશ'' કાર્યક્રમમાં ગઇકાલે રાજયના નાગરિકોએ ખાસ કરીને મહિલાઓએ દારૂ-જુગારના ઠેર ઠેર અડ્ડાઓ, મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો ત્રાસ, પોલીસની સદંતર નિષ્ક્રિયતા, સામાન્ય કામ માટે પણ વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જેવી અનેક બાબતો, સમસ્યાઓ રજુ કરી હતી. ગાંધીનગરમાં એરકન્ડીશન ઓફીસમાં બેસીને સબ-સલામતની ગુલબાંગો ફેકનાર ભાજપ સરકાર શિક્ષણ, આરોગ્ય, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, ખેડુતો, ખેતી, ગ્રામ્ય વ્યવસ્થા, રોજગાર સહિતના મુદ્દે સદંતર નિષ્ફળ ગયાની બાબતો અંગે આકરા આક્ષેપો કરતા ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના છ કરોડ નાગરિકોના પાયાના પ્રશ્નો જેવા કે, મોઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, શિક્ષણનું વેપારીકરણ, શિક્ષણનું કથળતું સ્તર, સિંચાઇનુંપાણી ન મળવુ, મોઘી વિજળી, મોંઘા બિયારણ, મોંઘી દવા, સ્થાનિક રોજગારી, જવા અનેક મુદ્દાઓ અંગેભાજપ સરકાર વર્ષોથી સત્તામાં હોવા છતાં ઉકેલ આવતો નથી. સરકારી ખર્ચે ભાજપ સરકાર વારંવાર ઉત્સવો અને તાયફાઓથી પ્રજાનું ધ્યાન ભટકાવી રહી છે.

રાજયમાં કુપોષણ મોટી સમસ્યા છે. બાંધકામ ક્ષેત્રે કામ કરતા લાખો શ્રમિકોના બાળકોએ સ્થળ ઉપર શિક્ષણ, આરોગ્ય અને યોગ્ય ભોજન મળે તે માટેના સોળસો કરોડથી વધુ નાણાં વપરાયા વિનાના લાંબા સમયથી સરકારી તિજોરીમાં જમા છે. જે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મોૈન છે? રાજયમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સતત મોંઘુ થતું જાય છે. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણના નામે, ફીના નામે લાખો રૂપિયા ઉઘરાવી રહ્યાં છે, તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મોૈન છ? સુરતમાં ભ્રષ્ટાચાર- મિલાવટ, ગેરકાયદેસર બાંધકામ જેનો ભોગ-રર નિર્દોષ માસુમ બાળકો બન્યા. તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મોૈન છે? રાજયમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાએ સ્થાનિક નાગરિકોને મળવાપાત્ર  નાગરિક અધિકાર વહિવટ તંત્ર  કેમ અટકાવી રહી છે ? સામાન્ય દાખલો , વારસાઇ સહિતના પ્રમાણપત્રો મેળવવા માટે નાગરિકોએ  કેમ નાણાં ચુકવવા પડેછે ? આ ભ્રષ્ટાચાર રોકવા માટે મુખ્યમંત્રીશ્રી કેમ મોૈન છે ?  રાજયમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડાઓ, ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે વારંવાર સ્થાનિક નાગરિકોની ફરિયાદો બાબતે પોલીસ તંત્ર કેમ નિષ્ક્રિય ? મહિલાઓની છેડતી, અત્યાચારના સતત વધતા બનાવો તેમ છતાં મુખ્યમંત્રીશ્રી કેમ મોૈન છે ? રાજયમાં દારૂબંધીના કડક કાયદાની સરકારી ખર્ચે લાખો રૂપિયાની જાહેરાત- હોર્ડિગો છતા ગુજરાતમાં કરોડો લીટર દારૂ ઠલવાય, બે-રોકટોક વેચાય આ અંગે મંખ્યમંત્રીશ્રી કેમ મોૈન છે ? તેવા સવાલો મનીષ દોશીએ ઉઠાવ્યા છે.

અન્ન સુરક્ષા કાયદાનો ગુજરાતના સવા ત્રણ કરોડ નાગરિકોને કેમ અસરકારક લાભ મળતો નથી મનરેંગા યોજનામાં મોટા  પાયેે ભ્રષ્ટાચાર, ઓછુ વેતનની ફરીયાદો અંગે શું ? વારંવાર કેનાલો તુટવી, શોૈચાલય બાંધકામમાં ભ્રષ્ટાચાર, અનેક સરકારી આવાસોમાં મોટા પાયે ગેરરીતી અંગે નાગરીકને કેમ ન્યાય નથી મળતો તે અંગે મુખ્યમંત્રીશ્રી કેમ મોૈન છે? રાજયના લાખો નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા સુરક્ષા, ન્યાય સહિતના મુદ્દે વહીવટી તંત્ર પર કડક પગલા ભરવાને બદલે મુખ્યમંત્રીના ' મનની મોકળાશ' કાર્યક્રમ હકિકતમાં ભાજપ સરકારની નિષ્ફળતાનો 'એકરાર'- હળવાશ' કાર્યક્રમ હોય તેવું જણાય છે. તેમ મનીષ દોશી જણાવે છે.

(11:29 am IST)