Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઇતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમના ૨૪ દરવાજાઓ ખોલવામાં આવ્યા

સૌપ્રથમ નર્મદા ડેમ ઓવર ફ્લો, ૧૩૧.૨૦ મીટરની જળ સપાટીએ : ભારે વરસાદથી નર્મદા કાંઠાના કુલ ૪૨ ગામોમાં હાઇએલર્ટ : ગોલ્ડનબ્રીજના અસગ્રસ્તોને ખસેડાયા : ઉપરવાસમાંથી ૫.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક

અમદાવાદ, તા.૯ :  ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી સૌપ્રથમવાર ૧૩૧.૨૦ મીટરે પહોંચ્યા બાદ ઇતિહાસમાં સૌપ્રથમવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને પગલે રાજયના પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. ખાસ કરીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા માતાજીની ચૂંદડી અને નાળિયેર નર્મદાના નીરમાં વહાવી નર્મદા માતાના ભારે શ્રધ્ધાપૂર્વક વધામણાં પણ કર્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થઇ હતી. પાણીની આવક વધતા ડેમના દસ દરવાજા ગુરુવારે મોડી રાત્રે ૧-૩૦ વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ ૨૪ દરવાજા ૦.૯૨ સેમી ખોલાયા હતા અને ડેમમાંથી કુલ ૬ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જો કે, અત્યારે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમના ઉપરવાસમાંથી ૫.૫૦ લાખ ક્યુસેકની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી હતી.

       ભરૂચ અને નર્મદા જિલ્લાના ૪૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો, તંત્ર દ્વારા ગોલ્ડનબ્રીજના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા હતા. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી અને ભારે શ્રધ્ધાપૂર્વક નર્મદા માતાના ભાવ સાથે વધામણાં કર્યા હતા અને નર્મદા મૈય્યાને નમન કર્યા હતા. સીએમની સૂચનાથી નર્મદા ડેમમાંથી ૬ લાખથી વધારીને ૮ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. બાદમાં તે, ઘટાડીને ૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુરુવારે મોડી સાંજે ડેમમાં ૨૯,૭૪૫ એમસીએમ પાણીનો જથ્થો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના પગલાના ભાગરૂપે ક્લાસ વન શ્રેણીના ૧૦ અધિકારીઓને કાંઠા વિસ્તારના ૪૨ ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરાયા છે. અધિકારીઓને સ્થાનિક મામલતદાર, સરપંચ, તલાટી તથા પોલીસ સાથે સંકલન સાધવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, જેસીબી તૈયાર રખાયા હતા. નર્મદા જિલ્લામાં કાંઠા વિસ્તારના મોટાભાગના ગામો ઊંચાઈ પર આવેલા છે.

           તેમ છતાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ. ઉલ્લેખનીય છે કે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને ૧૩૧ મીટર ભરવાની પરવાનગી આપી હતી. એ પછી ડેમ ૧૩૧ મીટર સુધી ભરાય પછી જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવામાં આવે છે અને ચોમાસામાં આ બ્રિજની રેલિંગ પણ કાઢીનાખવામાં આવે છે.

       નર્મદા ડેમથી સૌથી પહેલો આ બ્રિજ છે જે પથ્થરો થી બનેલો છે. વડોદરા જિલ્લા કલેક્ટરે આ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની ૫.૫૦ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને દર કલાકે ૨૩ સે.મી નો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતી સપાટીમાં બ્રેક મારવા બે વર્ષથી બંધ રિવરબેડ પાવરહાઉસના ૨૫૦ મેગાવોટના બે ટર્બાઇન શરૂ કરી દેવાયા છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના ૫૦ મેગાવોટના ૩ ટર્બાઇન પણ શરૂ કરી દેવાયા છે. જેથી પાણી છોડવાની સાથે વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે. રિવરબેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ૨૩૦૦૦ થી ૨૫૦૦૦ ક્યુસેક પાણી વાપરી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

(8:30 pm IST)