Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદ કોર્પોરેશન ટ્રાફિક સમસ્યા હળવી કરવા માંગે છે કે વધારવા માંગે છે ? રસ્‍તાઓ પહોળા કર્યા બાદ કોર્પોરેશન દ્વારા પે અેન્ડ પાર્કીંગની સુવિધા શરૂ કરવા હિલચાલ

અમદાવાદઃ શહેરમાં હજુ તો માંડ માંડ કેટલાક રસ્તાઓ ખુલ્લા થયા છે અને અમદાવાદીઓને હાશકારો થયો છે ત્યાં કોર્પોરેશન એવો પ્લાન લઈને આવ્યું છે કે ખબર નથી પડતી કે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માગે છે કે વધારવા માગે છે. તાજેતરમાં કોર્પોરેશને સમગ્ર શહેરમાં આકરી કાર્યવાહી કરીને અનેક રસ્તાઓ પહોળા કર્યા છે. હવે રસ્તાઓ પર કોર્પોરેશન પે એન્ડ પાર્કની સુવિધા શરુ કરવા માગે છે. કોર્પોરેશનનું કહેવું છે કે આમ કરવાથી આડેધડ પાર્કિંગનો ઇશ્યુ પણ સોલ્વ થઈ જશે અને રસ્તા પર ફરી અતિક્રમણ પણ નહીં થાય.

ઉપરાંત પણ કોર્પોરેશન 48 જગ્યાએ નવા પાર્કિંગ પ્લોટ તૈયાર કરવાનો પ્લાન પણ બનાવ્યો છે. જે પૈકી 17 પાર્કિંગ પ્લોટ શહેરના પશ્ચિમ ઝોનમાં અને પાંચ મલ્ટિલેવલ પાર્કિંગ ફેસિલિટી પૈકી ચાર મલ્ટિલેવલ પણ પશ્ચિમ ઝોનમાં બનશે. AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું કે, ‘ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે પાર્કિંગ પ્લોટ અથવા મલ્ટિલેવલ પાર્કિંગ ફેસેલિટી કરતા સ્ટ્રીટ પાર્કિંગ સુવિધા માટે વધુ ફી વસૂલ કરવામાં આવશે. હાલમાં કોર્પોરેશને C.G. રોડ પર પાર્કિંગ ફી વધારી છે. હાલ રોડ પર પ્રત્યેક દિવસની પાર્કિંગ ફી આવક રુ.19000 સુધી પહોંચી છે.’

ભટ્ટએ ઉમેર્યું કે નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગનો ઉપયોગ છેલ્લા થોડા દિવસોમાં તેની ક્ષમતાના 15% થી વધીને 50% થયો છે. તેમણે કહ્યું કે, ’24 મીટર પહોળા રોડ્સ કે જેના પરથી દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે. અહીં અમે પાર્કિંગ ફેસેલિટી આપીશું અને આવા રોડ પર જે ખૂણાઓ છે કે જ્યાં ટ્રાફિકને નડતરરુપ થાય રીતે ફેરિયાઓને પણ ઉભા રહેવાની જગ્યા આપવામાં આવશે.’

તે રીતે મણીનગર મલ્ટિલેવલ પાર્કિંગને પ્રમોટ કરવા માટે કોર્પોરેશન કાંકરિયાના ગેટ પાસે પાર્ક કરવાના ચાર્જમાં વધારો કરશે. તેમજ અહીં આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડને પણ ફેન્સિંગ કરીને તાળું મારશે. જગ્યા ફક્ત રાજકીય કાર્યક્રમો માટે યુઝ કરવામાં આવશે. શહેરમાં પ્રહ્લાદનગર, સિંધુભવન, ચાંદલોડિયા, ગુલબાઈ ટેકરા અને હિરાભાઈ ટાવર પાંચ જગ્યાએ ટુંકમાં મલ્ટિલેવલ પાર્કિંગ ફેસેલિટી આવશે.

તેમજ નવા 48 પાર્કિંગ પ્લોટ પૈકી 9 પ્લોટ ન્યુ વેસ્ટ ઝોન વિસ્તારમાં, 3 વેજલપુરમાં, 2 બોડકદેવમાં, 3 થલતેજમાં અને એક ગોતા ખાતે તૈયાર કરવામાં આવશે. માટેના પ્લોટ પણ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વેસ્ટઝોનમાં નારણપુરામાં એક, નવા વાડજમાં 3, મોટેરામાં 2, ગુલબાઈ ટેકરામાં 1 અને ચાંદખેડામાં 2 પાર્કિંગ પ્લોટ શરુ કરવામાં આવશે. તમામ પાર્કિંગ પ્લોટની મળીને કુલ કેપેસિટી ટૂવ્હીલર્સ-20,984 અને ફોરવ્હીલર્સ-3271 છે. જ્યારે શહેરમાં પહેલાથી 11,797 ટૂવ્હીલર્સ and 2,020 કાર્સની પાર્કિંગ ફેસિલિટી ધરાવતા 26 પાર્કિંગ પ્લોટ AMC દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યા છે.

(5:47 pm IST)