Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ઉમરેઠની ભાલેજ ચોકડી નજીક વિદેશી દારૂ-બિયરની કાર પલ્ટી ખાતા એક શખ્સનું મોત:એકની હાલત ગંભીર

ઉમરેઠ:તાલુકાની ભાલેજ ચોકડી પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે વિદેશી દારૂ-બીયરનો જથ્થો ભરેલી એક હોન્ડા કાર પલટી મારી જતાં તેમાં સવાર સામરખાના શખ્સનું મોત થયું હતુ જ્યારે અમદાવાદના શખ્સને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ભાલેજ પોલીસે વિદેશી દારૂ અને અકસ્માતના એમ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના અગિયાર વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતી એક હોન્ડા સીટી કાર નંબર જીજે-૦૩, ડીડી-૫૧૭૧ની ભાલેજ ચોકડી પાસે આવેલી એક હોટલ પાસેથી પસાર થતી હતી ત્યારે વડની ડાળી સાથે અથડાઈને કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી જેમાં કારના આગળના ભાગનો લોચો વળી જવા પામ્યો હતો. કારમાં સવાર બન્ને શખ્સો અંદર જ ફસાઈ જવા પામ્યા હતા અને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ધડાકાભેર અકસ્માત થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ભાલેજ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને જેમતેમ કરીને બન્નેને કારની બહાર કાઢતાં સામરખા ગામે રહેતા હરિશભાઈ મેલાભાઈ પરમારનુ મોત થયું હતુ જ્યારે ડ્રાયવર નાસીરખાન સીરાજખાન પઠાણ (રે. જુહાપુરા, અમદાવાદ)ને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પોલીસે તેને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે દવાખાને મોકલી આપ્યો હતો. 

(5:21 pm IST)