Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અમદાવાદના સાણંદ નજીક ઉભેલ ટ્રકમાંથી 6.31 લાખના મરચાની ચોરી થતા તપાસ શરૂ

અમદાવાદ: જિલ્લાના સાણંદ નજીક આવેલ ડ્રાયપોર્ટ એચપીસીએલ કંપની લી.માં રાજસ્થાનના કેસુસીંગ રેવતસીંગ ભાટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીનો માલસામાન લેવા તેઓ પોતાની ટ્રક નં જીજે ૧ બીવાય ૫૮૨૧ કે જે કન્ટેનર સાથે જોડેલ હતી. તે લઈને નડિયાદ તાલુકાના ડભાણ નજીક આવેલ એશિયન ફુડ કંપનીમાં આવ્યાં હતાં. કેશુસીંગની આ તરફની પહેલી ટ્રીપ હોઈ તે કંપનીના અન્ય ચાલકની ટ્રક પાછળ પાછળ પોતાની ટ્રક લઈ આવ્યાં હતાં. તા.૫-૭-૧૯ ના રોજ પોતાની ટ્રક સાથે જોડાયેલા કન્ટેનરમાં ૧૫ કિલોની ૧ એવી ૧૩૩૫ બેગ કે જેમાં લાલ મરચાંનો પાવડર ભરેલો હતો તે મૂકી હતી. અને આ મરચું ભરી તેઓ પરત જવા રવાના થયાં હતાં. તેમની આગળ કંપનીની અન્ય ટ્રક હતી. ને.હા નં ૮ પર રધવાણજ ટોલનાકુ વટાવ્યાં બાદ આગળ જતાં ટ્રકના ચાલકે તેમની કંપનીની અન્ય બે ટ્રકો ત્યાં ઊભી હોઈ પોતાની ટ્રક ત્યાં ઉભી રાખી હતી. અને કેશુસીંગને પણ પોતાની ટ્રક રોડની સાઈડે ઊભી રાખવા જણાવ્યું હતું. સાંજ પડી હોઈ ભોજન-આરામ આ સ્થળે કરવાનું તમામ ટ્રકના ડ્રાઈવરોએ નક્કી કર્યું હતું. કેશુસીંગે ભોજન કર્યાં બાદ પોતાની ટ્રકની કેબિનમાં જ આરામ કર્યો હતો. તેને રાત્રે દોઢ વાગે અન્ય ટ્રકના ચાલકે ઉઠાડ્યો હતો. અને આગળ વધવા જણાવતાં તે ટ્રક લઈને આગળ વધ્યાં હતાં. જો કે થોડે દૂર ગયાં ત્યાં પાછળથી આવતાં એક વાહનના ચાલકે કેશુસીંગની લગોલગ પોતાનું વાહન લાવી તેમના ટ્રકના કન્ટેનરનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવતાં કેશુસીંગે ટ્રક ઊભી રાખી ચેક કરતાં કન્ટેનરનો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો. જેથી અન્ય ટ્રકના ડ્રાઈવરને જાણ કર્યાં બાદ કંપનીમાં જાણ કરી હતી. 

(5:20 pm IST)