Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

સુરતના અગ્નિકાંડના કસુરવાન ઇજનેરની અ-ધ-ધ મિલ્કત શોધી કઢાઇ

ગુજરાતના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત એસીબીએ નવા કાયદાનો અમલ કરી ઉચ્ચ અધિકારી સુવો મોટો કોગ્નિઝન્સ દાખલ કરતા ખળભળાટ : એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં વિશેષ ટીમે આરોપીના જેલમાં જઇ નિવેદન લીધાઃ સતત રપ દિવસ સુધી સુરતમાં ધામા

રાજકોટ, તા., ૧૦: સુરતના તક્ષશીલા  બિલ્ડીંગમાં ગત તા.ર૪ મી મેના રોજ થયેલ અગ્નિકાંડને પરીણામે ફાયર સેફટીને લગતા કોઇ સાધન સામગ્રી ન હોવાથી કુલ રર જેટલા વિદ્યાર્થીઓના બિલ્ડીંગ પરથી કુદી પડવા તથા આગમાં ભસ્મીભુત થવાના કારણે નીપજેલ કરૂણ મૃત્યુ માટે બેદરકારી દાખવનાર આરોપી ડેપ્યુટી એન્જીનીયર વિનુભાઇ કરશનભાઇ પરમારે ભ્રષ્ટાચાર  આદર્યાનું સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા થયેલી તપાસમાં ખુલતા ગુજરાતના ઇતિહાસમાં સર્વો પ્રથમ વખત એસીબી દ્વારા ઉકત અધિકારીઓ સહિત સંબંધકર્તા અધિકારીઓ વિરૂધ્ધ સુવો મોટો કોગ્નીઝન્સ લઇ તેઓની બેનામી મિલ્કતની ચાલતી તપાસમાં ડે. એન્જીનીયર વી.કે.પરમારની મિલ્કત ૧૧૬.૬૧ ગણી વધારે અર્થાત ૧ કરોડ ર૦ લાખ ર૩ હજાર ૯૮રની આવકના પ્રમાણમાં વધુ હોવાનું જાહેર થતા એસીબીએ ગુન્હો દાખલ કરાવ્યો છે.

ઉકત બાબતે એસીબી વડા કેશવકુમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેમની સામે બેદરકારીના આરોપ છે તે પૈકીના ડેપ્યુટી એન્જીનીયર વિનુભાઇ કરશનભાઇએ બનાવવાળી જગ્યાએ ઇમ્પેકટ ફી બાબતે વિઝીટ કરી  ઉપલા અધિકારીને રિપોર્ટ કરવાની ફરજમાં ચુક કરેલ છે. પરીણામે આવી મોટી કરૂણાંતીકા બનવા પામ્યાનું એસીબી તપાસમાં ખુલ્યું હતું.

તેઓએ વિશેષમાં જણાવેલ કે તક્ષશીલા આર્કેડના બિલ્ડીંગનું ગેરકાયદેસર બાંધકામ અને તેના વપરાશ બાબતે આપવામાં આવતા કમ્પલીશન સર્ટીફીકેટ મામલે પણ સંબંધક બિલ્ડર અને મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મીલીભગતથી ભ્રષ્ટાચાર થયાનું પણ તપાસમાં ખુલવા પામેલ છે.

ઉકત અધિકારીઓની બેનામી સંપતીઓની તપાસ કરવા માટે અમદાવાદના એસીબીના મદદનીશ નિયામક (એસીબી ફિલ્ડ-૩) એન.ડી.ચૌહાણને ટીમ સાથે સુરત મોકલી ત્યાં જ કેમ્પ કરી આરોપી જેલમાં હોવાથી કોર્ટમાંથી જરૂરી પરવાનગી મેળવી આરોપીઓના નિવેદનો મેળવી ર૦-રપ દિવસ સુધી સતત તપાસ કરી અપ્રમાણસર મિલ્કતો શોધી કાઢવામાં આવી હતી.  તપાસના અંતે આવક કરતા ૧૧૬.૬૧ ગણી રકમ વધુ હોવાનું જણાતા આરોપી ડેપ્યુટી એન્જીનીયર વિનુભાઇ કરશનભાઇ પરમાર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમક ૧૯૮૮ (સુધારા કલમ-ર૦૧૮) ની કલમ ૧૩(૧) (બી) તથા ૧૩ (ર) મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

સદરહું ગુનાની વિશેષ તપાસ સુરત એસીબી એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના માર્ગદર્શનમાં આણંદના એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ સી.આર.રાણા થા ટીમ ચલાવી રહી છે.  ઉકત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીઓની અપ્રમાણસર મિલ્કતો અંગેની કોઇ માહીતી હોય તો એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ફોન નં. ૦૭૯ રર૮૬૭૭ર તથા ફેકસ નંબર ૦૭૯-રર૮૬૯૨ર૮  પર અથવા વોટસએપ નંબર ૯૦૯૯૯૧૧૦પપ પર રૂબરૂ, સીડી અથવા પેન ડ્રાઇવમાં માહીતી મોકલવા એસીબી વડાએ લોકોને અપીલ કરી છે.

(1:22 pm IST)