Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

કોથમીર વધુ મોંઘી થઇ :ર૯૦ રૂ. કિલોએ વેચાઇ! ટમેટા-મરચાના ભાવો પણ વધ્યા...

વરસાદના અભાવે હજુ પણ શાકબકાલાના ભાવો વધે તેવી શકયતા : ગૃહિણીઓના બજેટ અસ્તવ્યસ્ત

રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા લીલા શાકભાજીના ભાવોમાં વધારો થતા ગૃહીણીઓના બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયા છે. ખાસ કરીને શાકભાજી ખરીદતી વખતે મફતમાં કોથમીર અપાતી હતી તેના ભાવો આસમાને પહોંચ્યા છે. સાથે સાથે ટમેટા-મરચાના ભાવો પણ વધ્યા છે.

ગઇકાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કોથમીર એક મણ ર૦૦૦ રૂ.ના ભાવે વેચાઇ હતી અને આજે પણ કોથમીરના ભાવમાં ભાવવધારો યથાવત રહયો હતો. આજે રાજકોટ યાર્ડમાં કોથમીરની ૮૩ કવીંટલની આવક હતી અને ભાવ એક મણના રર૦૦ થી ર૯૦૦ રૂ. રહયા હતા. એટલે કે કોથમીર એક કિલો ર૦૦ થી ર૯૦ રૂ. ના ભાવે વેચાઇ હતી. આ કોથમીર બજારમાં પહોંચતા છુટક વેપારીઓ તેના મનફાવે તેવા ભાવો લઇ રહયા છે.

 વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ૧૦ વર્ષમાં કોથમીરના ભાવ ચાલુ વર્ષે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. જો કે ઉંચા ભાવ જતા ખપત ઘટે છે. ખાસ તો વરસાદી ઠંડકના બદલે ગરમી હોય કોથમીરનો મોલ સુકાઇ રહયો હોય તેના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે.

કોથમીરની સાથે ટમેટા અને મરચાના ભાવમાં પણ વધારો થયો છે. બે દિ' પહેલા બેંગ્લોરના ટમેટા હોલસેલમાં ર૮ થી ૩૦ રૂ.માં વેચાતા હતા તેના ભાવ ૩૦ થી ૩પ રૂ. થઇ ગયા છે. તેવી જ રીતે મરચાના ભાવ બે દિ' પહેલા એક કિલોના રપ થી ૪૦ રૂ. હતા તે વધીને ૩૦ થી પ૦ રૂ. થઇ ગયા છે. હાલમાં દુધી-ગલકા સહિત વેલાવાળી શાકભાજીની આવકમાં ધીમે-ધીમે વધારો થઇ રહયો છે. જો કે આગામી દિવસોમાં વરસાદ નહિ પડે તો આ આવકમાં ગાબડા પડતા લીલા શાકભાજીના ભાવો વધે તેવી શકયતા છે.

(1:21 pm IST)