Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

બનાસકાંઠાના રણકાંઠામાં સુઈગામમાં તીડના આક્રમણ બાદ કૃષિમંત્રી ફળદુ દોડતા થયા

મેઘપુરાની સીમમાં ખેતીવાડી અધિકારીઓ, વહીવટી અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત : નિરીક્ષણ કર્યું

બનાસકાંઠાના રણકાંઠામાં તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સરહદી પંથક વાવ અને સુઈગામમાં તીડના આક્રમણથી તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવી દવાનો છંટકાવ કરવા લાગ્યું છે. સમગ્ર બાબતે વાવ ધારાસભ્ય ગેનિબેન ઠાકોરે વિધાનસભામાં રજુઆત કરતા કૃષિમંત્રી દોડતા થયા છે.

વિધાનસભામાં વાવના ધારાસભ્ય ની રજુઆત ને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુ સુઇગામ દોડી આવ્યા હતા.સુઇગામના મેઘપુરાની સીમમાં ખેતીવાડી અધિકારીઓ,વહીવટી અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતુ.

મોડી રાત્રે આવી પહોંચેલા કૃષિમંત્રી એ હાથબતી અને મોબાઈલ ની બેટરીના અજવાળે સ્થળ તપાસ કરી હતી. જોકે રાત્રીના ઘોર અંધકારમાં કોઈ જગ્યાએ જીવતાં તીડ જોવા મળ્યાં નહોતા. અધિકારીઓએ મરેલાં તીડ બતાવી કૃષિમંત્રીના ઠપકાથી બચાવ કર્યો હોવાનુ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યુ છે. જોકે હજુ પણ સુઇગામની સીમમાં તીડનો ઉપદ્રવ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

(11:52 am IST)