Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

રાજ્યના ૩૩ તાલુકામાં ઉલ્લેખનીય વરસાદ થયા

ડાંગના વઘઈમાં અઢી ઇંચ વરસાદ

અમદાવાદ,તા.૯ : રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૪ મી.મી. એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે ૮ તાલુકાઓમાં અડધા ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૩૩ તાલુકાઓમાં ઝાપટાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં અડધા ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૬૪ મી.મી., આહવા તાલુકામાં ૩૦ મી.મી., વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૨ મી.મી. અને તાપી જિલ્લાનાં વ્યારામાં ૧૬ મી.મી. વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ડેડીયાપાડા, વાલોદ, ચિખલી અને ધરમપુરમાં ૧૧ મી.મી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

(8:45 am IST)