Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

મ્યુનિ. શાળામાં વિદ્યાર્થીનું પડી જવાને પરિણામે મોત

વિદ્યાર્થીઓ-વાલીમાં ઘેરો શોકની લાગણી પ્રસરી : વિદ્યાર્થી રિસેસમાં રમતો હતો તે દરમ્યાન પડી જતાં મોત વિદ્યાર્થીને શ્વાસ તેમજ વાલ્વની તકલીફ હોવાની સ્પષ્ટતા

અમદાવાદ, તા.૯ : શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ ગુજરાતી શાળા નં-૧માં ધોરણ-૬માં અભ્યાસ કરતા મેહુલ મારવાડી નામના બાળકનું પડી જવાને કારણે મોત થયું હતું. આ બનાવને પગલે શાળામાં ભારે દોડધામ મચી ગઇ હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી તો, વાલીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડયા હતા. ધોરણ-૬ના વિદ્યાર્થીના અકાળે મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળામાં ધોરણ-૬માં અભ્યાસ કરતો મેહુલ મારવાડી નામનો વિદ્યાર્થી  રિસેસના સમયે સ્કૂલના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે તે પડી ગયો હતો. પડી ગયા બાદ વિદ્યાર્થી બેભાન થઇ જાય છે અને તરત જ અન્ય વિદ્યાર્થીઓએ પ્રિન્સીપાલને જાણ કરી હતી. બાદમાં વિદ્યાર્થીને ખાનગી તબીબની સારવાર અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, તે પહેલાં જ વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજયું હતું. વિદ્યાર્થીના મોતને લઇ સમગ્ર શાળા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ છવાયો હતો તો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી. દરમ્યાન આ અંગે સ્કૂલ બોર્ડના શાસનાધિકારીએ જણાવ્યું કે, બાળકને શ્વાસ અને વાલ્વની તકલીફ હતી. હાલ બાળકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે શાળા સત્તાવાળાઓએ વાલીને જાણ કર્યા વિના બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડતાં થોડો વિવાદ ગરમાયો હતો. એક તબક્કે વિદ્યાર્થીના પરિવારજનોએ બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે, પોલીસ અને મ્યુનિ.સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓ દ્વારા દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.

(8:21 pm IST)