Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

જીવરાજપાર્ક : બાંધકામ સાઇટ પર કરંટ લાગતા બાળકીનું મોત

ઘટનાને પગલે મજૂરઆલમમાં શોકની લાગણી : સાલ ઓન રેસીડેન્સી સ્કીમની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર ખુલ્લા વાયરોના કારણે સાતેક મજૂરોને વીજકરંટ લાગ્યા

અમદાવાદ, તા.૯ : શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં કન્સ્ટ્રકશન થઇ રહેલી એક બાંધકામ સાઇટ પર આજે બપોરે કામ કરી રહેલા સાત જેટલા મજૂરોને ખુલ્લા વાયરોના કારણે ઇલેક્ટ્રીક શોક(વીજ કરંટ) લાગ્યો હતો, જેમાં એક પંદર વર્ષીય બાળકીનું કરૂણ મોત નીપજયુ હતું. બાકીના મજૂરોને પ્રમાણમાં ઓછો કરંટ લાગતાં તેઓ બચી ગયા હતા પરંતુ એક મજૂર બાળકી વીજકરંટના જોરદાર ઝટકાને લઇ આખરે મોતને ભેટી હતી. આ સમગ્ર પ્રકરણમાં સાલ ઓન રેસીડેન્સી કન્સ્ટ્રકશન સાઇટ પર ખુલ્લા વાયરો અને બિલ્ડર દ્વારા ગંભીર બેદરકારી પણ સામે આવી હતી, જેને લઇ હવે બિલ્ડર સામે આકરી કાર્યવાહી કરવા સ્થાનિકોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે પણ હવે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં સાલ ઓન રેસીડેન્સી નામની સ્કીમનું બાંધકામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આ કન્સ્ટ્રકશન સાઇટ પર આજે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે બપોરના સમયે અચાનક વીજકરંટ લાગતા સાતેક મજૂરોને તેનો ઝટકો વાગ્યો હતો પરંતુ તેમાં પંદર વર્ષની એક બાળકીને જોરદાર વીજકરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતુ. બાળકીને તાત્કાલિક નજીકની જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી પરંતુ તેને ડોકટરો દ્વારા મૃત જાહેર કરાઇ હતી. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

સમગ્ર પ્રકરણમાં બિલ્ડરની ગંભીર બેદરકારી સામે આવી હતી, કારણ કે, કન્સ્ટ્રકશન સાઇટ પર વાયરો ખુલ્લા લબડતા રહેતા હતા અને તેના કારણે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી રહી છે. નોંધનીય વાત એ હતી કે, આટલી ગંભીર દુર્ઘટના સર્જાવા છતાં અને પંદર વર્ષીય મજૂર બાળકીના મોતની ઘટના છતાં બિલ્ડર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ન હતી. બીજીબાજુ, આ ઘટનામાં મજૂર બાળકીના મોતને લઇ મજૂરઆલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(7:37 pm IST)