Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વરઘોડાને કાઢવામાં દલિતોના બહિષ્કારની મડાગાંઠ યથાવત

દલિત પુત્રના લગ્નમાં વરઘોડોને લઈ વિવાદ : દલિતોની સુરક્ષા અને કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે હેતુથી ગામમાં પોલીસ-એસઆરપીનો બંદોબસ્ત કરાયો

અમદાવાદ,તા. ૧૦ : મહેસાણા જિલ્લાના કડીના લ્હોર ગામ ખાતે દલિત સમાજના એક યુવકના લગ્નનો વરઘોડો કાઢવામાં આવતાં સામાજિક આભડછેટનું ભૂત ફરી ધૂણ્યુ હતું અને સ્થાનિક ગ્રામજનો દ્વારા દલિતોનો બહિષ્કાર કરવામાં આવતાં સમગ્ર મામલો જોરદાર રીતે ગરમાયો છે. આ સમગ્ર મામલે વિવાદ વધતાં ગામના સરપંચ સહિત ચાર જણાં સામે ફરિયાદ દાખલ થઇ છે. બીજીબાજુ, હુજ પણ ગામમાં દલિતોના બહિષ્કાર વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોઇ દલિતોની સુરક્ષા અને કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે હેતુથી ગામમાં પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. તો, પોલીસે આજે દલિતો અને ગામના સવર્ણ સહિતની અન્ય જાતિના આગેવોનો સંપર્ક કરી સમગ્ર મામલે સમાધાનકારી પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ પણ સમગ્ર મામલે મડાગાંઠ યથાવત્ રહેવા પામી છે. તેથી ગામમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  જો કે, મોડી સાંજે ઠાકોર સમાજના આગેવાનોએ ગામમાં દલિતોનો કોઇ બહિષ્કાર કરાયો નહી હોવાનો દાવો કરી વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. કડીના લ્હોર ગામે એક દલિત પરિવારે પુત્રના લગ્નનો ત્રણ દિવસ પહેલા વરઘોડો કાઢતા ગામના સવર્ણ સમાજમાં તેને લઇ ભારે રોષ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ બેઠક કરીને નક્કી કર્યું હતું કે, જો ગામનો કોઈ વ્યક્તિ દલિતોને કોઈ વસ્તુ આપશે કે વ્યવહાર રાખશે તો તેની પાસેથી રૂ. ૫,૦૦૦નો દંડ લેવાશે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસના ફરિયાદી મનુભાઈ ભીખાભાઈ પરમારના પુત્ર મેહુલ પરમારના લગ્ન હતા. લગ્નપ્રસંગને લઇ તેનો વરઘોડો નીકળ્યા બાદ ગામના આગેવાનો અને સરપંચે તેનો વિરોધ કર્યો હતો તેમજ ગર્ભિત ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, તમે તમારી મર્યાદામાં રહો. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ગામના અન્ય સમાજના લોકો એકઠા થયા અને દલિતોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવી નહીં અને સારો વ્યવહાર કરશો તો પાંચ હજારનો દંડ થશે તેવું નક્કી કરાયું હતું. જેને પગલે દલિત પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.  જેને પગલે પોલીસે દલિત વિસ્તારની મુલાકાત લઈ આગેવાનોને પૂછીને ફરિયાદ લીધી હતી. આ કેસમાં સરપંચની અટકાયત કરવામાં આવી હતી.

સામાજિક આભડછેટનો આ વિવાદ વકરતાં તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. તંત્ર પણ હવે આ મામલામાં હરકતમાં આવ્યું હતું અને ગામમાં શાંતિ સ્થપાય અને કોમી વૈેમનસ્ય ઉભુ ના થાય તે હેતુથી બંને પક્ષે સમાધાનના પ્રયાસ કરાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં કંઇ ખાસ સફળતા મળી ન હતી, જેને પગલે સામાજિક આભડછેટના મુદ્દે મડાગાંઠ યથાવત્ રહી હતી પરંતુ પોલીસે અગમચેતીના ભાગરૂપે ગામમાં એસઆરપી અને પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. એટલું જ નહી, પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ પણ કરાઇ રહ્યું છે.

(8:54 pm IST)
  • સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય access_time 11:42 am IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST