Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મૃત્યુ પામેલી યુવતીના કેસમાં સરકાર ૮.૨૫ લાખ આપશે

પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાની હત્યા કરી હતી : પ્રથમ તબક્કામાં ૪.૧૨ લાખ ૧૩મીએ પરિજનોને ચૂકવી દેવાશે : પોલીસ દ્વારા હત્યારા-સાથીદારોની ધરપકડ થઈ

અમદાવાદ,તા. ૧૦ : બાવળામાં પ્રેમી દ્વારા જાહેરમાં ભરબજારમાં છરીના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં હવે રાજય સરકાર તરફથી રૂ.૮.૨૫ લાખની સહાયની જાહેરાત કરાઇ છે. રાજ્ય સરકાર મૃતક મિત્તલ જાદવના પરિવારને ૮.૨૫ લાખ સહાય કરશે, તેમાંથી પ્રથમ તબક્કે રૂ.૪.૧૨ લાખની સહાય સોમવારે તા.૧૩મેના રોજ ચૂકવી દેવા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને આદેશ કરવામાં આવ્યો છે. બીજીબાજુ, ચકચારભર્યા એવા આ હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી પ્રેમી કેતન વાઘેલા અને તેના સાથી ધનરાજ અને શ્રવણની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.         બાવળામાં સ્ટેશન રોડ પર બુધવારે સાંજે જાહેર માર્ગ પર એકતરફી પ્રેમમાં યુવાને યુવતી છરીના ઉપરાછાપરી ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મિત્તલ જાદવ નામની યુવતીનાં તા.૨૬ મેએ લગ્ન લેવાનાં હતાં ત્યાં જ હિચકારી ઘટના બનતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. પોલીસે હત્યારા યુવાનના બે મિત્રને ઝડપી લીધા હતા, જ્યારે છરીના ઘા ઝીંકનારા યુવાનને અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસે ગુરુવારે સુરેન્દ્રનગરથી ઝડપી લીધો હતો. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કડિયાકામની છૂટક મજૂરી કરતા રમેશભાઈ લક્ષ્મણભાઈ જાદવની પુત્રીઓ મિત્તલ અને હીના બુધવારે સાંજે સ્ટેશન રોડ પર પાણીપુરીની રેકડી પાસે ઊભાં હતાં. દરમ્યાન કેતન કનુભાઈ વાઘેલા અને શ્રવણ બાઇક લઈને તેમની પાસે આવ્યા અને કેતને મિત્તલને બાઇક પર બેસી જવા કહ્યું હતુ. દરમિયાન કેતનનો અન્ય મિત્ર ધનરાજ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. મિત્તલે ઇનકાર કરતાં ત્રણેયે બળજબરી કરી હતી. જો કે, મિત્તલે બાઇક પર બેસવા ધરાર ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા કેતને મિત્તલને છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા. પુત્ર સાવને ઘરે આવીને જાણ કરતાં માતાપિતા મધુવન સોસાયટી પાસે દોડી ગયાં ત્યારે મિત્તલ લોહીલુહાણ હાલતમાં તરફડિયાં મારતી હતી. મિત્તલને તાકીદે બાવળા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. તબીબે પ્રાથમિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ગંભીર રીતે ઘવાયેલી મિત્તલને અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. મિત્તલના પિતા રમેશભાઈ લક્ષ્મણભાઈ જાદવે એકતરફી પ્રેમમાં પાગલ કેતન, શ્રવણ અને ધનરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી વી.એસ.માં લાશનું પોસ્ટ મોર્ટમ કરાવીને શ્રવણ અને ધનરાજને ઝડપી લીધા હતા. જોકે, કેતન પોલીસને હાથ લાગ્યો નહોતો. ગુરુવારે અમદાવાદ એલસીબી અને સુરેન્દ્રનગર એલસીબીએ દસાડા પાસેથી કેતનને ઝડપી લીધો હતો. ઘટનાની જાણ થતાં બાવળા પીએસઆઇ એન. એમ. ચોધરી, ધોળકા ડીવાયએસપી બળદેવસિંહ વાધેલા, ધોળકા સીપીઆઇ મલેકે સ્ટાફ સાથે સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને ઝડપી લીધો હતો. બીજીબાજુ, રાજય સરકાર તરફથી મૃતક મિત્તલ જાદવના પરિવારજનોને રૂ.૮.૨૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરાઇ હતી.

 

(8:14 pm IST)