Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ખાનગી એન્જિનિયરીંગ કોલેજો મોટી મુશ્કેલીમાં

૧૨ સાયન્સનું રિઝલ્ટ નીચું આવતા : ૩૫,૦૦૦ બેઠકો ખાલી રહે તેવી શકયતા : એક સ્ટુડન્ટના ભાગે બે બેઠકો આવે તેમ છે

અમદાવાદ તા. ૧૦ : શિક્ષણમાં ખાનગીકરણ વધવાના પ્રતાપે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં આજની તારીખે ૬૧,૦૦૦ બેઠકો ઉપલબ્ધ છે. જોકે, આ વર્ષે ૧૨ સાયન્સમાં માત્ર ૩૪,૦૦૦ સ્ટૂડન્ટ્સ જ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવી શકે તેવું રિઝલ્ટ લાવ્યા છે. જેના કારણે આ વખતે એન્જિનિયરિંગ કોલેજોમાં ૩૫,૦૦૦ જેટલી બેઠકો ખાલી રહેવાના પૂરા ચાન્સ છે.

આ શૈક્ષણિક વર્ષમાં ફાર્મસી અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવા ઈચ્છતા સ્ટૂડન્ટ્સને કોઈ ખાસ માથાકૂટ નહીં કરવી પડે. સૂત્રોનું માનીએ તો, એન્જિનિયરિંગમાં ૬૦,૯૩૭ બેઠકો ઉપલબ્ધ છે, અને તેમાંય ૧૫૦૦ બેઠકોનો ઉમેરો થવાનો છે. આમ આ વખતે એન્જિનિયરિંગ સીટ્સનો કુલ આંકડો ૬૩,૪૩૭ પર પહોંચશે.

એન્જિનિયરિંગમાં જેટલી બેઠકો ઉપલબ્ધ છે, તેની સામે આ વખતે ૩૮,૮૪૮ સ્ટૂડન્ટ્સ જ પાસ થયા છે. એડમિશન પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો સીબીએસઈના ૭૦૦૦ સ્ટૂડન્ટ્સ પણ ઉમેરી દેવામાં આવે તો પણ કુલ સ્ટૂડન્ટ્સનો આંકડો ૪૫,૯૪૮ પર પહોંચશે. જેનો મતલબ સાફ છે કે જો સાયન્સમાં પાસ થયેલા ગુજરાતના બધા સ્ટૂડન્ટ્સ એન્જિનિયરિંગમાં એડમિશન લે તો પણ ૧૭,૪૯૮ બેઠકો ખાલી રહી જાય.

ગયા વર્ષે ગુજરાતમાં પ્રવેશના માપદંડો ખાસ્સા હળવા કરાયા બાદ પણ એન્જિનિયરિંગમાં ૩૨,૦૦૦ બેઠકો ખાલી રહી હતી. આ વખતે પણ ધારાધોરણોમાં છૂટ આપવામાં આવે તેવી પૂરી શકયતા છે. નિયમ અનુસાર, મેથ્સ, ફિઝિકસ અને કેમેસ્ટ્રીમાં ૪૫ ટકા લાવનારા સ્ટૂડન્ટને જ એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે. જોકે, આ નિયમને અનુસરાય તો ગુજરાત બોર્ડ તેમજ સીબીએસઈના ૪૦ ટકા લાવનારા કુલ ૩૮,૦૦૦ સ્ટૂડન્ટ્સ જ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવાને લાયક ઠરે.

એલડી એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ અને એડમિશન કમિટિના ઈન્ચાર્જ જીપી વડોદરિયાના જણાવ્યા અનુસાર, આ વખતે ખાનગી કોલેજોમાં ૩૫,૦૦૦ બેઠકો ખાલી રહેવાની શકયતા છે. તેમાંય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી કોલેજોને વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બની જશે. આ વર્ષે ખાલી પડેલી બેઠકોનો આંકડો સર્વોચ્ચ સપાટીએ પહોંચી જાય તો નવાઈ નહીં.

(3:59 pm IST)