Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરત રેન્જ વડા અને વલસાડ એસપી ભારતની કુખ્યાત ગેંગના ગળામાં ગુજસીટોકનો મજબૂત ગાળ્યો પહેરાવવા સજ્જ

દેશભરમાં ૫ વર્ષમાં ૫૦૦ કરોડની ખંડણી છતાં દેશના કોઈ રાજ્યની પોલીસ જેને ટચ ન કરી શકી તેવી ખુંખાર ગેંગ પાછળ ગુજરાત પોલીસ આદુ ખાઈ પાછળ પડી : ૪૦થી વધુ અપહરણ કરનાર સોનાર ગેંગ માત્ર ગુજરાત નહિ, દેશના કોઈ પણ રાજ્યની પ્રજાને પીડી ન શકે તે માટે રાજકુમાર પાંડિયન અને રાજદીપસિહ ઝાલા દ્વારા અનોખી મિશાલ -સ્થાપિત કરવાની દિશામાં પગરણ મંડાયા

રાજકોટ, તા. ૧૦ :   દેશભરમાં ૫ વર્ષમાં ૫૦૦ કરોડની ખંડણી ઉઘરાવી ઇતિહાસ સર્જનાર બિહારની કુખ્યાત સોનાર ગેંગ જેના પર બોલિવૂડ દ્વારા વેબ સિરીઝ બનવા જઈ રહી છે,તેવા દેશભરમાં ૪૦થી વધુ અપહરણ કરનાર આ ગેંગને દેશની કોઈ પોલીસ પહોંચી શકી નથી તેવી આ ગેંગ સામે ગુંજસી ટોક કાયદા અંતર્ગત જેલ બહાર ન નીકળી  શકે તે માટે મજબૂત ગાળિયો સુરત રેન્જ પોલીસ વડા રાજકુમાર પાંડિયન અને વલસાડ રેન્જ પોલીસ વડા રાજદીપ સિહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ ધમધમાટ ચાલી રહ્યો છે.

ગત તા. રર-૦૩-ર૦ર૧ ના રોજ ઉંમરગામ ખાતે જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઇસમોએ હાઇ સ્પીડ કારમાં આવી બંદુકની અણીએ ફિલ્મી ઢબે અપહરણ કરી લઇ ગયેલ હતા જે બિલ્ડરને આરોપીઓએ ગોંધી રાખી ૩૦ કરોડ રૂપિયાની ખંડણી માંગણી કરેલ અને ખંડણી નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી વલસાડ જિલ્લા પોલીસે હયુમન ઇન્ટેલીજન્શનો ઉપયોગ કરી ચંદન સોનાર ગેંગના સાગરીતો (૧) ગૌરવકુમાર ઉર્ફે પપ્પુ મદન ચૌધરી ઉર્ફે લાલજી અવધનારાયણ પટેલ ઉર્ફે સંજયસિંગ બહાદુરસિંગ રહે. નાલાસોપારા (વેસ્ટ) મુંબઇ મુળ રહે. બિહાર (ર) ઇરશાદ ઉર્ફે મોબીન ઉર્ફે ટકલુ સન ઓફ મુખ્તાર શેખ રહેવાસી કાશીમીરા, મીરા રોડ, મુળ રહે. અહેમદનગર, મહારાષ્ટ્ર (૩) અયાઝ ઉર્ફે અઝજુ ઉસ્માન શેખ રહે. બ્રાન્દ્રા (ઈસ્ટ), મુંબઇ મુળ રહેવાસી, અહમદનગર (મહારાષ્ટ્ર) (૪) અજમલહુસેન અબ્દુલકલામ અન્સારી રહે. આંબેડકરનગર (યુ.પી.) (પ) ઇશાક કુતબુદ્દીન મુજાવર રહે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) (૬) દિપકકુમાર દેવેન્દ્રશ રાય (યાદવ) રહે. મુઝઝફરનગર (બિહાર) (૭) જીતનેશકુમાર ઉર્ફે રાજુ ઉર્ફે બબલુ ડોમન રાય (યાદવ) રહે. મુઝઝફરનગર (બિહાર) નાઓને પકડી પડાી અપહૃતને હેમખેમ રીતે છોડાવવામાં આવેલ અને નોંધાયેલ ગુનામાં આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

આમ, ઉપરોકત આરોપીઓ સંગઠિત ગુનાઓ આચરતી ચંદન સોનાર ગેંગના સાગરીતો હોય ગુજરાત રાજય સિવાય અન્ય રાજયોમાં પણ ૪૦ જેટલા અપહરણ અને ખંડણી વિગેરેના ગુનાઓ આચરેલ હોય અને સંગઠિત ગુન્હા આચરતી ટોળકી (ગેંગ) બનાવી પૂર્વ આયોજીત કાવતરૂ રચી જીવલેણ હથિયારો ધારણ કરી બિલ્ડર, ઉદ્યોગપતિ કે મિલ્કત ધરાવનાર પૈસાદર ઇસમોને ટાર્ગેટ કરી ખંડણી ઉઘરાવવા અપહરણ કરી ડરાવી ધમકાવી જેવા ગંભીર ગુન્હાઓ આચરેલા છે. જેથી સદરહ આરોપીઓની સંગઠીત ગુન્હા આચરતી ટોળકીના સભ્યો તરીકે ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ હોય જેથી સદર આરોપીઓ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (જી.સી.ટી.ઓ.સી.) હેઠળ ગુનો દાખલ કરી તે કાયદા હેઠળ પણ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

(2:56 pm IST)